મુંબઇ: ઇંધણના ભાવ (Fuel price hike)માં ફરીથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો પેટ્રોલ-ડીઝલ (Petrol diesel)ના સ્થાને CNGથી દોડતી કારને પ્રાધાન્ય આપી રહ્યા છે. આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે સીએનજી કાર (CNG car) પ્રમાણમાં સસ્તી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ છે. તેમાં કોમ્પેક્ટ હેચબેક અથવા સેડાન જેવા વિકલ્પ પણ મળે છે. ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicle)ની ખરીદી પાછળ પ્રીમિયમ ખર્ચ થાય છે. જે ઘણાને પરવડે તેમ નથી. આવી સ્થિતિમાં સીએનજી કારની બહોળી ખરીદી થઈ રહી છે. ઘણી કાર ઉત્પાદક કંપનીઓ એન્ટ્રી-લેવલ કારના લોકપ્રિય મોડેલોના ફેક્ટરી-ફીટેડ CNG વર્ઝન બનાવી રહ્યા છે. ઘણા સ્થળે સીએનજી ફ્યુઅલ સ્ટેશનોની અછતની સમસ્યા હોય છે. જેથી મારુતિ સુઝુકી લિમિટેડ સહિત અમુક કંપની ગ્રાહકને નજીકના સીએનજી રિફ્યુઅલિંગ સ્ટેશનને શોધવામાં મદદ કરતી સુવિધા પણ આપે છે. ત્યારે અહીં બજારમાં જોવા મળતી કેટલીક શ્રેષ્ઠ સીએનજી કારની જાણકારી આપવામાં આવી છે.
1) ટાટા ટિયાગો સીએનજી (Tata Tiago CNG) : ટાટા ટિયાગો સીએનજી ચાર વેરિઅન્ટમાં આવે છે. જેમાં રેન્જ-ટોપિંગ એક્સઝેડ+ નો સમાવેશ થાય છે. આ કાર 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિકલી સંચાલિત રિયર-વ્યૂ મિરર્સ અને રિયર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ સાથે આવે છે. ટિયાગો હરીફ સીએનજી કાર કરતા વધુ પાવર ઉત્પન્ન કરે છે. ટિયાગોમાં 1.2-લિટર, ભારત સ્ટેજ-4- એન્જિન મળે છે. આ એન્જીન સીએનજી પર ચાલતી વખતે 72 બીએચપી અને 95 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. ટાટા મોટર્સ દ્વારા આ કારમાં 26.49 કિ.મી.ની માઇલેજ ઓફર થાય છે. આ માઇલેજ બજેટ હેચબેક્સ કરતા થોડી ઓછી છે. પરંતુ ટિયાગો સુવિધાઓ અને સલામતીની દ્રષ્ટિએ ઘણું વધારે આપે છે. સ્ટાન્ડર્ડ પેટ્રોલ ટિયાગો 4 સ્ટારનું ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (New Car Assessment Programme) એટલે કે એનસીએપી રેટિંગ ધરાવે છે. સીએનજી કિટ ફેક્ટરીની વોરંટી અને રેટ્રો-ફીટેડ સીએનજી કિટ કરતા વધુ લેવલની સલામતી સાથે આવે છે. આ કારની કિંમત 7.52 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
2) ટાટા ટિગોર સી.એન.જી. (Tata Tigor CNG) : ટિયાગો કરતા વધુ બૂટ સ્પેસની જરૂર હોય તેવા લોકો માટે ટાટા ટિગોર સારો વિકલ્પ છે. ટિગોર સીએનજી પણ ટિયાગો જેટલી જ શક્તિ આપે છે. ટિયાગોનું જ એન્જિન ટીગોરમાં છે અને 26.49 કિ.મીની સમાન માઇલેજ પણ આપે છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે ઘણા જોરદાર ફીચર્સ ટિગોરમાં મળે છે. આ ફીચર્સ ટિયાગોમાં પણ જોવા મળે છે. ટિગોરમાં 419 લિટરના બૂટ (60-લિટરની ટેન્ક સાથે) સ્પેસ મળે છે. જો કે, ટિયાગોની જેમ, તેમાં કોઈ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) અથવા કાન્ટિન્યુસલી વેરિયેબલ ટ્રાન્સમિશન (CVT) ગિયરબોક્સના વિકલ્પો જોવા મળતા નથી. આ કારમાં ચાલકને 5-સ્પીડ મેન્યુઅલ આપવામાં આવે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 7.69 લાખ છે.
3) હ્યુન્ડાઇ ઓરા સીએનજી (Hyundai Aura CNG) : ટિગોરની હરીફ હ્યુન્ડાઇ ઔરા સીએનજી છે. ટિગોર કરતા વધુ સારી ન દેખાતી હોવા છતાં, ઓરા તેના કરતાં 28 કિ.મી.ની ઊંચી માઇલેજ આપે છે. તેના થ્રી-પોટ, 1.2-લિટર મલ્ટિ પોઇન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન (એમપીએફઆઈ) એન્જિનમાં 68 બીએચપી ઉત્પન્ન થાય છે. તે ટાટા સીએનજી વિકલ્પો કરતા ઓછી શક્તિશાળી કાર છે. ઓરા ખાલી રોડ પર ટાટા જેટલું પ્રદર્શન ન આપી શકે પણ ટ્રાફિકમાં તે વધુ કિફાયતી છે. તેની બૂટ સ્પેસ પણ ટિગોર કરતા નાની છે. ઔરામાં 402 લિટરની સ્પેસ મળે છે. આ ઉપરાંત તેની કિંમત પણ ઊંચી છે. આંકડા મુજબ આ કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 7.74 લાખ છે.
4) મારુતિ સુઝુકી અર્ટિગા સીએનજી (Maruti Suzuki Ertiga CNG) : મારુતિ સુઝુકી અર્ટિગા સીએનજી પીપલ-મૂવર તરીકે ઓળખાય છે. તેમાં સાત પુખ્ત વયના મુસાફર બેસી શકે છે. મારુતિ સુઝુકી ઇકો પણ આવો જ વિકલ્પ છે. અર્ટિગામાં ચાર પોટ અને 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જીન 88 બીએચપી પાવર અને 122 એનએમ ટોર્ક બનાવે છે. મોટાભાગના સીએનજી વાહનોની જેમ આર્ટીગામાં પણ ઓટોમેટિક ગિયરબોક્સ મળતું નથી. તેમાં માત્ર 5-સ્પીડ ગિયરબોક્સ ઓફર કરવામાં આવે છે. અર્ટિગાએ 26.2 કિ.મી.ની માઇલેજનો દાવો કરે છે. તેનું કદ મોટું છે, જે તેને બજારમાં સૌથી લોકપ્રિય મલ્ટિ-પર્પઝ વ્હિકલ (એમપીવી) બનાવે છે. મારુતિ સુઝુકીની આ એકમાત્ર સીએનજી કાર છે જેને થ્રી સ્ટાર ગ્લોબલ એનસીએપી સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 9.97 લાખ છે.
5) મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજી (Maruti Suzuki Celerio CNG) : ક્રેશ સેફ્ટી રેટિંગની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકીના સીએનજી ઓપ્શન પાછળ રહી શકે, પરંતુ જ્યારે માઇલેજની વાત આવે છે ત્યારે મારુતિ સુઝુકીને કોઈ પહોંચી શકતું નથી. તાજેતરમાં લોન્ચ થયેલી નવી જનરેશન સેલેરિયોએ તેના વેરિઅન્ટની યાદીમાં સીએનજી-વર્ઝન ઉમેર્યું હતું અને મારુતિ સુઝુકીનો દાવો છે કે સેલેરિયો તેની ઇંધણમાં સૌથી વધુ કિફાયતી સીએનજી કાર છે. તેમાં 1.0-લિટર K10C ડ્યુઅલજેટ એન્જિન મળે છે. જે ખૂબ જ સાધારણ 55 બીએચપી બનાવે છે. આ યાદીમાં સેલેરિયો સૌથી ઓછી શક્તિશાળી કાર છે, પરંતુ તેની 35 કિમીની માઇલેજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સારી માઇલેજ આપતી પ્રથમ કાર ખરીદવા માંગતા લોકો માટે આ સૌથી સારો વિકલ્પ હોય શકે છે. સેલેરિયો હવે ફ્રેશ દેખાવ અને ઇન્ટિરિયર સાથે આવે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 6.58 લાખ છે.