નવી દિલ્દી: કોરોના મહામારી સંકટ વચ્ચે આમ આદમીને સતત મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. પરંતુ આગામી બે-ત્રણ મહિનામાં તેનાથી રાહત મળી શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ (Crude Oil Price Down)ની કિંમત છેલ્લા અઠવાડિયા દરમિયાન આઠ ટકા ઘટી ગઈ છે. જે બાદમાં નિષ્ણાતો ઘરેલૂ સ્તર પર પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની કિંમતમાં ઘટાડો થશે તેવું માની રહ્યા છે. એસકોર્ટ સિક્યોરિટીના આસિફ ઇકબાલે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ક્રૂડ ઓઇલ સસ્તુ થવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થોડી રાહત મળશે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું 82 ટકા ક્રૂડ અને ઓઇલ બહારથી મંગાવે છે. છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલના ભાવ સતત વધ્યા છે અથવા સ્થિર રહ્યા છે. ઓઇલ કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ છે. આથી હવે ગ્રાહકોને લાભ મળી શકે છે. વર્તમાન સ્તરમાં જો ક્રૂડમાં 20 ટકા ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. પરિણામે પેટ્રોલ-ડીઝલમાં 2.5થી ત્રણ રૂપિયાનો પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં છ ટકાનો ઘટાડો: ન્યૂઝ એજન્સી રૉયટર્સના સમાચાર પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ થયાના સમાચાર પછી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ક્રૂડ ઓઇલની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે. આ જ કારણે ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ છે. કારણ કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે બિઝનેસ પ્રવૃત્તિઓ પણ મંદ પડી છે. આ કારણે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે હવે ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને 32 ડૉલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલની માંગ વધવા લાગી: સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલની માંગમાં બે ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. જે બાદમાં પેટ્રોલના વેચાણમાં પ્રથમ વખત વધારો થયો છે. એનાથી માલુમ પડે છે કે પેટ્રોલની માંગ કોવિડ-19ના પહેલાના સ્તર પર પહોંચી ગઈ છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના પ્રારંભિક આંકડાઓમાં આ માહિતી મળી છે. આ કંપનીઓનો બજાર હિસ્સો 90 ટકા છે. જોકે, ડીઝલનું વેચાણ સામાન્યથી ઓછું છે. જોકે, દર મહિનાની સરખામણી કરવામાં આવે તો ડીઝલની માંગમાં વધારો થયો છે. આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં પેટ્રોલના વેચાણમાં બે ટકાનો ઘટાડો થયો છે.
ગત મહિનાની સરખામણીમાં પેટ્રોલના વેચાણમાં 10.5 ટકાનો વધારે થયો છે. જોકે, ડીઝલની માંગ હજુ પણ નકારાત્મક છે. વાર્ષિક ધોરણ ડીઝલની માંગમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, ઓગસ્ટની સરખામણીમાં ડીઝલનું વેચાણ 22 ટકા વધારે થયું છે. દેશમાં સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ વધીને 22 લાખ ટન પર પહોંચ્યું છે. ગત વર્ષે આ જ મહિનામાં તે 21.6 લાખ ટન હતું. ઓગસ્ટ, 2020માં પેટ્રોલનું વેચાણ 19 લાખ ટન રહ્યું હતું. દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા ઇંધણ ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જે 48.4 લાખ ટન છે. સપ્ટેમ્બર, 2019માં આ વેચાણ 53 લાખ ટન હતું. જ્યારે ઓગસ્ટ, 2020માં ડીઝલનું વેચાણ 39.7 લાખ ટન હતું.