અદાણી ગ્રુપ (Adani Group) ના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બ્લૂમબર્ગ (Bloomberg) ના રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપે 4096 કરોડ રૂપિયા (500 મિલિયન ડોલર)ની બ્રિજ લોનને ચૂકવી દીધી છે. આમ કરીને અદાણી ગ્રુપ તેના રોકાણકારોનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, મંગળવારના દિવસે આ લોનની ચુકવણી કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટ બાદ કેટલીક બેન્કોએ લોનને રિફાઇનાન્સ કરવા પર રોક લગાવી દીધી હતી. જેને લઈને અદાણી ગ્રુપના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને ભાગ ગગડ્યા હતા.
રોકાણકારો કરી રહ્યા છે ભરોસો: રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીના નેતૃત્વવાળા આ ગ્રુપે રિપોર્ટ આવ્યાના બાદથી અત્યાર સુધીમાં લગભગ 2 મિલિયન ડોલરના શેર સમર્થિત લોનની ચુકવણી કરી છે. સાથે જ સમય પર બોન્ડની ચુકવણી કરી છે. આ જ સૌથી મોટું કારણ છે કે GQG પાર્ટનર્સના સ્ટાર રોકાણકાર રાજીવ જૈને 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
GQG પાર્ટનર્સ વધારી શકે છે રોકાણ: જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટર્સ કંપનીઓ પૈકીની એક GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં 15 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના શેર ખરીદ્યા છે. ત્યારે GQG પાર્ટનર્સે હવે સંકેત આપ્યા છે કે તેઓ અદાણી ગ્રુપની કંપનીઓમાં પોતાના રોકાણને વધારી શકે છે. આ વાતની જાણકારી GQG પાર્ટનર્સના રાજીવ જૈને આપી છે. એસેટ મેનેજરની ખરીદી બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટી ખરીદી જોવા મળી રહી છે.
તો બીજી તરફ અદાણી ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે, ગ્રૂપે એપ્રિલ 2025માં પરિપક્વ થનાર રૂ. 7,374 કરોડના ઇક્વિટી-બેક્ડ ફાઇનાન્સિંગનું પ્રીપેઇડ કર્યું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને રૂ. 7,374 કરોડની ચુકવણી કરીને પ્રમુખ કંપની અદાણી પોર્ટ્સના પ્રમોટર્સ 155 મિલિયન શેર ઇશ્યૂ કરશે, જે પ્રમોટર્સના હિસ્સાના 11.8 ટકા છે.