મુંબઇ. PPF Vs NPS: આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિને નોકરી બાદ એટલે કે નિવૃત્તિ (Retirement) બાદ ઘર ચલાવવા માટે ખર્ચની ચિંતા રહે છે. આ માટે નોકરિયાત લોકો નોકરીના સમયગાળા દરમિયાન જ આયોજન કરતા હોય છે, જેનાથી નિવૃત્તિની જિંદગી સારી રીતે વિતાવી શકાય. નિવૃત્તિના આયોજન (Retirement fund planning) માટે તમે અનેક સ્કીમમાં પૈસા રોકી શકો છે. કેન્દ્ર સરકારે પણ નિવૃત્તિ બાદની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બે યોજના શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન મેળવી શકો છો. આ બંને સ્કીમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public provident fund- PPF) અને નેશનલ પેન્શન સિસ્ટમ (National pension system- NPS) છે. આ બંને સ્કીમમાંથી કઈ સ્કીમ વધારે સારી છે તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. અનેક વખત લોકો યોગ્ય જાણકારી ન હોવાથી મૂંઝવણ અનુભવતા હોય છે. આ આર્ટિકલમાં અમે તમને બંને સ્કીમ વિશે માહિતી આપી રહ્યા છીએ.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) : પીપીએફ એકાઉન્ટમાં તમે દર વર્ષે લઘુત્તમ 500 રૂપિયા અને મહત્તમ 1.50 લાખ રૂપિયાનું યોગદાન આપી શકો છે. પીપીએફ અંતર્ગત રોકવામાં આવેલી રકમ ઇન્કમટેક્સની સેક્શન 80C હેઠળ બાદ પણ મળે છે. પીપીએફ એકાઉન્ટનો મેચ્યુરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. જે બાદમાં તમે બે વખત આ મુદ્દત પાંચ પાંચ વર્ષ સુધી વધારી શકો છો. જો તમને પૈસાની જરૂરિયાત હોય તો સાત વર્ષ બાદ રકમનો ઉપાડ કરી શકો છો. પીપીએફ એકાઉન્ટ પર રોકવામાં આવતી રકમ પર 7.1 ટકા વ્યાજ મળે છે. નિવૃત્તિ માટે ફંડ એકઠું કરવા માટે આ એક ઉત્તમ રસ્તો છે.
પીપીએફની શરૂઆત 1968માં રાષ્ટ્રીય બચત સંગઠને એક નાની બચતના રૂપમાં કરી હતી. જેમાં સતત 15 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. જો તમારે પૈસાની જરૂર હોય તો 15 વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકો છો. જોકે, આ સ્કીમમાં 15 વર્ષ પછી રોકાણનો સમય વધારવાનો વિકલ્પ મળે છે. 15 વર્ષ બાદ તેને પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આ માટે તમારે એક ફોર્મ જ ભરવાની રહેશે. જો તમે રકમ નથી વધારતા તો પણ તમને વ્યાજનો ફાયદો મળે છે.
ત્રણ મહિને વ્યાજની જાહેરાત : કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને પીપીએફ એકાઉન્ટ પર મળતા વ્યાજના દરમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે વ્યાજ દર 7થી 8 ટકાની વચ્ચે રહે છે. આર્થિત સ્થિતિ જોઈને વ્યાજ દર વધુ કે ઓછો હોઈ શકે છે. વર્તમાન વ્યાજદર 7.1 ટકા છે. આ વ્યાજ દર અનેક બેંકોના એફડી દર કરતા વધારે છે. પીપીએફ એકાઉન્ટમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) : NPSને નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન મળી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કીમમાં 18થી 70 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. NPS મારફતે જમા કરવામાં આવેલી રકમની જવાબદારી PFRDA તરફથી રજિસ્ટર્ડ પેન્શન ફંડ મેનેજરને આપવામાં આવ્યો છે. જે તમારા રોકાણને ઇક્વિટી, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ અને નોન ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકે છે.
નેશનલ પેન્શન સિસ્ટમ શું છે? : નેશનલ પેન્શન સિસ્ટમ જે વર્ષ 2009થી તમામ વર્ગના કર્મચારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યકાળ દરમિયાન પેન્શન ખાતામાં નિયમિત રૂપે એક રકમ જમા કરી શકે છે. જમા કરેલી કુલ રકમને આ વ્યક્તિ એક જ વખતમાં પણ ઉપાડી શકે છે અને જો તેવું ન કરવામાં આવે તો તેમાં રહેલી રકમનો ઉપયોગ તે રિટાયરમેન્ટ પછી પેન્શન તરીકે મેળવીને શકે છે.