એનપીએસ (National Pension System)ના ધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ખાતા ધારકોને નેશનલ પેન્શન સ્કિમ ફંડમાંથી પાકતી મુદત પહેલા પૈસા ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. હવેથી નેશનલ પેન્સન સ્કિમના ધારકો જરૂર પડે તો ફક્ત ત્રણ વર્ષ પછી પણ એનપીએસ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી.
ત્રણ વખત રકમ ઉપાડી શકાશે : નાણા મંત્રીના નિવેદન પ્રમાણે Tier I NPS ખાતા ધારકોને ત્રણ વખત આંશિક રીતે એનપીએસમાંથી પૈસા ઉપડવાની છૂટ આપવામાં આવશે. NPS ખાતા ધારકના ખાતામાં જેટલી રકમ જમા હશે તેની 25 ટકાથી વધારે રકમ ઉપાડવાની મંજૂરી નહીં આપવામાં આવે. જોકે, ખાતાધારકના Tier-ll એકાઉન્ટમાંથી નાણા ઉપાડવા પર કોઈ જ પ્રતિબંધ નથી.
શા માટે આપવામાં આવી આ સુવિધા : NPS એક ફ્યુચર સેવિંગ એકાઉન્ટ છે, જેમાં ખાતાધારક નિવૃત્ત થાય ત્યારે જ તેને રકમ આપવામાં આવે છે. આ દરમિયાન જો ખાતાધારકને કોઈ નાણા સંકટનો સામનો કરવો પડે તો તેને ધ્યાનમાં રાખીને સરકારે ફંડમાંથી આંશિક રકમના ઉપાડવી મંજૂરી આપી છે. એટલું જ નહીં બે આંશિક ઉપાડ પર ઓછામાં ઓછું પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ એ નિયમને પણ 10મી ઓગસ્ટ, 2017થી હટાવી દેવામાં આવ્યો છે.
કેવી રીતે ખોલવામાં આવે છે ખાતું : સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) માટે સરકારી તેમજ ખાનગી બેંકોને ખાતું ખોલવાની મંજૂરી આપી રાખી છે. એટલે તમે કોઈ પણ બેંકમાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ માટે તમારે જન્મનું પ્રમાણપત્ર, 10માં ધોરણની ડીગ્રી, એડ્રેસ પ્રુફ અને ઓળખપત્રની જરૂર રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ બેંકમાંથી જ મળે છે.