

નવી દિલ્હી: દેશમાં મહિનાની દર પહેલી તારીખથી અનેક નવા બદલાવ અમલમાં આવતા હોય છે. જે અનુસંધાને પહેલી માર્ચ, 2021 (1st March)થી પણ અમુક ખાસ બદલાવ થઈ રહ્યા છે. આ બદલાવની સીધી જ અસર તમારા પર પડશે. પહેલી માર્ચથી દેશમાં સ્વાસ્થ્ય સંબંધી મહત્ત્વની કહી શકાય એવું અભિયાન શરૂ થશે. પહેલી માર્ચથી દેશમાં 60 વર્ષથી મોટી ઊંમરના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રમાં પણ ઘણા મોટા ફેરફાર થશે. જેમાં ઇન્ડિયન બેંકના એટીએમ (Indian bank ATM)માંથી પહેલી માર્ચથી ગ્રાહકો બે હજાર રૂપિયાની નોટ (Rs 2,000 notes) નહીં કાઢી શકે. તો જોઈએ આવા જ બદલાવ વિશે.


બેંક ઑફ બરોડા: બેંક ઑફ બરોડાએ ગ્રાહકોને સૂચના આપી છે કે એક માર્ચ, 2021થી વિજયા બેંક અને દેના બેંકના IFSC કોડ કામ નહીં કરે. એટલે કે આ બેંકમાં વર્તમાન IFSC કોડ ફક્ત 28મી ફેબ્રુઆરી, 2021 સુધી જ કામ કરશે. પહેલી માર્ચ, 2021થી ગ્રાહકોએ નવા IFSC કોડનો ઉપયોગ કરવો પડશે. 1 એપ્રિલ, 2019થી વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડામાં વિલય પ્રભાવી થયું છે. જે બાદમાં આ બંને બેંકના ગ્રાહકો બેંક ઑફ બરોડાના ગ્રાહકો બની ગયા હતા. બેંક ઑફ બરોડાનું કહેવું છે કે ગ્રાહકો નવા MICR કોડ વાળી ચેકબુક 31 માર્ચ, 2021 સુધી મેળવી શકે છે.


'વિવાદથી વિશ્વાસ' સ્કીમ: આવકવેરા વિભાગે પ્રત્યક્ષ કર વિવાદ સમાધાન યોજના 'વિવાદથી વિશ્વાસ'ની મર્યાદા વધારીને 31 માર્ચ, 2021 કરી દીધી છે. આ ઉપરાંત કોઈ પણ વધારાના ચાર્જ વગર ચૂકવણી માટેની મર્યાદા 30 એપ્રિલ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત પહેલા સમય મર્યાદા 28 ફેબ્રુઆરી હતી, જ્યારે વિવાદિત કર રકમની ચૂકવણીની સમયમર્યાદા 31 માર્ચ હતી.


SBIના ગ્રાહકો માટે KYC ફરજિયાત: 1 માર્ચથી એસબીઆઈના ગ્રાહકોએ પોતાનું કેવાયસી કરાવવું ફરજિયાત છે. જે ગ્રાહકો આ કામ નહીં કરે તેમના ખાતામાં સબસિડી જેવી સરકારી યોજનાઓની રકમ જમા નહીં થાય. આ અંગે દેશની સૌથી મોટી સરકારી બેંકે પહેલા જ આદેશ આપી દીધો છે.


ATMમાંથી 2,000ની નોટ નહીં નીકળે: પહેલી માર્ચથી ઇન્ડિયન બેંકના એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે. જોકે, બેંકમાં જઈને બે હજાર રૂપિયાની નોટ મેળવી શકાશે. ઇન્ડિયન બેંકે કહ્યુ છે કે, "એટીએમમાં મોટી નોટ નીકળ્યા બાદ ગ્રાહકો નાની નોટ માટે બેંકમાં આવે છે. આ કારણે અમે બે હજાર રૂપિયાની મોટો નોટોને એટીએમમાં લોડ જ નહીં કરવાનો નિર્ણય કર્યો છે."


મફતમાં ફાસ્ટેગ નહીં: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યુ છે કે, 1 માર્ચથી ગ્રાહકોને ટોલ પ્લાઝા પરથી FASTag ખરીદવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. હકીકતમાં ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે અત્યારસુધી ટોલ પ્લાઝા પર ફ્રીમાં FASTag આપવામાં આવતું હતું. (Shutterstock)


રસીકરણનો બીજો તબક્કો: પહેલી માર્ચથી દેશમાં 60 વર્ષથી મોટી ઉંમરના તેમજ કોઈ બીમારીથી પીડિત હોય તેવા 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોરોનાનું રસીકરણ શરૂ થશે. દેશની સરકારી હૉસ્પિટલોમાં ફ્રીમાં રસી આપવામાં આવશે. જોકે, ખાનગી હૉસ્પિટલોમાં રસી લેવા પર પૈસા ચૂકવવા પડશે. 10 હજાર સરકારી તેમજ 20 હજાર ખાનગી હૉસ્પિટલોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. (તસવીર: Shutterstock)