મુંબઈ: અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી (mutual fund industry)નું કદ રૂ. 37 લાખ કરોડ જેટલું તોતિંગ ઊંચું છે. અત્યારસુધીમાં આ સેક્ટર પર બેંક તરફી ફંડ હાઉસો (Fund house)એ રાજ કર્યું છે. જોકે, હવે સમય બદલાયો છે. નવી સંસ્થાઓ અને કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. સાત જેટલી કંપનીઓએ MFના લાઇસન્સ માટે SEBIને અરજી કરી હોવાનું જાણવા મળે છે. જેમાંથી બેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ચાર કંપનીઓએ MF બિઝનેસ શરૂ પણ કરી દીધો છે. મ્યુચ્યુઅલ ફંડમાં PMS પ્રોવાઇડર્સ, ડિસ્કાઉન્ટ બ્રોકરો, ટેક્નોલોજી આધારીત નાણાકીય કંપનીઓ જેવી સંસ્થાઓ તેમના ગેમ પ્લાન સાથે MF ઉદ્યોગમાં પ્રવેશવા માંગે છે.
વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટ: કેનેથ એન્ડ્રેડેના PMS વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટે મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે હાલમાં જ અરજી કરી હતી. IDFC MFમાં સ્ટાર ફંડ મેનેજર તરીકે આઠ વર્ષ વિતાવ્યા બાદ એન્ડ્રેડે જૂન 2015માં પોતાની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ શરૂ કરી હતી. આ માટે તેણે ઉદ્યોગ છોડી દીધો હતો. એન્ડ્રેડે એગ્રેસીવ, પરંતુ વિવેકપૂર્ણ સ્ટોક-પીકર તરીકે જાણીતા છે.
ઝીરોધા: સક્રિય યુઝર્સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બ્રોકિંગ ફર્મ ઝીરોધાને MF બિઝનેસ શરૂ કરવા માટે સેબી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ઝીરોધામાં નીતિન કામથ સંચાલન કરે છે. હવે ઝીરોધા ઓછી કિંમતના પેસિવ રીતે મેનેજ થયેલા ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) જેવા ઉત્પાદનોમાં કામથ વધુ કાર્યક્ષમતા લાવવા માંગે છે.
નાવી MF: સચિન બંસલની નાવી (Navi) MF પણ ઓછી કિંમતના પેસિવ રીતે મેનેજ થતા ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંસ્થા ખાસ કરીને ઈન્ડેક્સ સ્કીમને લક્ષ્યમાં રાખશે તેવી શક્યતા છે. ફંડ હાઉસ ઇલેક્ટ્રિક વ્હીકલ ફંડ અને કુલ માર્કેટ ઇન્ડેક્સ ફંડ સેગમેન્ટ્સ માટે પહેલેથી જ અરજી કરી દીધી છે. ધી નાવી ટોટલ યુએસ સ્ટોક માર્કેટ FoF ભારતીય રોકાણકારોને વેનગાર્ડ ફંડમાં એક્સપોઝર આપશે.
વ્હાઇટ ઓક કેપિટલ: વ્હાઇટ ઓક કેપિટલ પણ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશનાર વધુ એક PMS છે. આ ફંડનું સંચાલન પ્રશાંત ખેમકા કરે છે. સેબીએ YES MFનું સંપાદન પૂર્ણ કર્યા પછી પેઢીને MF બિઝનેસ શરૂ કરવાની મંજૂરી આપી છે. અત્યારે આ હાઉસ એક્ટિવલી મેનેજ થતા ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને બાદમાં આંતરરાષ્ટ્રીય સ્કીમ શરૂ કરી શકે છે. ખેમકા માટે આ પગલું પણ ફાયદાકારક નીવડશે ખેમખા ગોલ્ડમેન સાક્સ ઇન્ડિયા MFના સહ-સીઈઓ હતા. આ સાહસનું નેતૃત્વ મોતીલાલ ઓસવાલ MFના ભૂતપૂર્વ સીઇઓ આશિષ સોમૈયા કરશે
બજાજ ફિનસર્વ: ફાઈનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે કદાવર કંપની બજાજ ફિનસર્વને સેબી તરફથી મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બજાજ ફિનસર્વનું ડિસ્ટ્રીબ્યુશન ખૂબ વ્યાપક છે. કંપનીની આ પહોંચને જોતા MF બિઝનેસમાં તે ધીમે ધીમે નક્કર પગલાં લઈ શકે છે. બજાજ ફિનસર્વની ભગિની સંસ્થા બજાજ ફાઇનાન્સની ગ્રામીણ વિસ્તારો, નાના શહેરો અને ગામોના 1,357 સહિત 2,392 સ્થળોએ હાજરી છે. આ વિશાળ બ્રાન્ચ નેટવર્ક તેને બી-30 લોકેશનમાં પ્રવેશવા મદદ કરશે.
સામ્કો સિક્યોરિટીઝ: ડિસ્કાઉન્ટ બ્રોકર સામ્કો સિક્યોરિટીઝને પણ તેના મ્યુચ્યુઅલ ફંડ માટે સેબી પાસેથી મંજૂરી મળી છે. ફંડ હાઉસે ફ્લેક્સિયાપ ફંડ માટે પહેલેથી જ અરજી કરી છે. સામ્કો એમએફના સ્થાપક જિમીત મોદીનું કહેવું છે કે, ફંડ હાઉસનો ઉદ્દેશ રોકાણકારોને ખરા એક્ટિવલી ફંડ વ્યવસ્થાપનનો અનુભવ કરાવવાનો છે.