વૈશ્વિક કક્ષાએ હીરાના વ્યાપારી તરીકે મેહુલ ચોકસીનું નામ જાણીતું છે. મેહુલ ચોકસીનું જીવન હંમેશા વૈભવવિલાસમાં રહ્યું છે. તેણે ગીતાંજલી જ્વેલર્સ બ્રાન્ડ માટે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. જેમાં એશ્વર્યા રાય અને કેટરીના કેફ સહિતના નામાંકિત નામ શામેલ છે. જ્યારે પણ તેના નવા શોરૂમનું ઉદઘાટન થતું, ત્યારે બોલિવૂડની કોઈને કોઈ એક્ટ્રેસ ત્યાં હાજર રહેતી.
મેહુલ ચોકસીનો કારોબાર અનેક દેશોમાં ફેલાયેલો છે. જે માટે તે અવારનવાર વિદેશી યાત્રા કરતો. તેની પાસે આલીશાન મકાન અને વાહનો સહિતની શાનદાર લક્ઝરી સુવિધા છે. મુંબઈ અને ગુજરાત સહિતના ઘણા સ્થળોએ ડઝન બંધ મિલકતો છે. મુંબઈમાં તેનું મોટું મકાન છે. જેમાં ભોગ વિલાસની તમામ સુવિધા છે. આ મકાનમાં તે અવારનવાર પાર્ટીઓ આપતો. તેની પાસે રહેલા કારના કાફલામાં રોલ્સ રોયલ પણ હતી. જેની કિંમત રૂપિયા અઢી કરોડની આસપાસ છે.
મેહુલનું કદ પાંચ ફૂટ પાંચ ઈંચ અને વજન 120 કિલો જેટલું છે. તેનો જન્મ ગુજરાતના પાલનપુર ખાતે થયો હતો. તેણે કોલેજનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો. હીરા ઉદ્યોગમાં ટોચના બિઝનેસમેન બનવાની ઈચ્છા તેની હંમેશાથી હતી. 1985માં પિતાના મૃત્યુ બાદ તેણે કારોબાર સંભાળ્યો અને ઝડપથી આગળ વધાર્યો. તેની પાસે ગીતાંજલી જેમ્સની જેમ અન્ય ઘણા નામોથી અલગ-અલગ જ્વેલરી પ્રોડક્ટસ છે.
મેહુલ ચોકસી જાહોજલાલીમાં જીવન જીવવામાં માને છે. હંમેશા સૂટ અને લકઝરી ઘડિયાળ પહેરનાર આ શખ્સે જ તેના ભત્રીજા નીરવ મોદીને પંજાબ નેશનલ બેંકમાં છેતરપીંડીનો રસ્તો બતાવ્યો હતો. પૂજાપાઠમાં પણ તેની શ્રધ્ધા વધુ છે. તેના હાથમાં હંમેશા કલેવ બાંધેલો રહે છે. મેહુલની કુલ સંપત્તિ અંદાજે રૂ. 12 હજાર કરોડ આંકવામાં આવી છે.