Hiral Thanawala, Moneycontrol: લોન આપતી એપ્લિકેશનો દ્વારા ડિજિટલ છેતરપિંડીમાં વધારો થઈ રહ્યો છે. ધીરાણ આપતી ઘણી એપ્લિકેશનો જરૂરિયાતમંદ ગ્રાહકોને તરત જ વધુ ક્રેડિટ આપે છે. પરંતુ, આ પ્રકારની ડિજિટલ ધીરાણ એપ્લિકેશન્સ સાથે અનેક જોખમો સંકળાયેલા છે. ફિનટેક ઇન્ડસ્ટ્રીમાં જોખમોને વ્યવસ્થિત રીતે ઓળખવા અને તેને સમજવા ફિનટેક એસોસિએશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ (FACE) અને સેન્ટર ફોર ફિનેશિયલ ઇન્ક્લુઝન (CFI)એ તાજેતરમાં ફિનટેક લેન્ડિંગ રિસ્ક બેરોમીટર લોન્ચ કર્યું હતું. આ જોખમ બેરોમીટર અભ્યાસનો હેતુ ડિજિટલ લેન્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં ઊભા થતાં જોખમો ની વ્યવસ્થિત બેઝલાઇન બનાવવાનો છે.
આ ફિનટેક લેન્ડિંગ રિસ્ક બેરોમીટર જોખમોને ઓળખવા માટે મિક્સ મેથોડ્સ અનુસરે છે. સૌપ્રથમ, તેમણે સપ્ટેમ્બરથી ઓક્ટોબર, 2022 દરમિયાન 40 ફિનટેક ધીરાણકર્તાઓ વચ્ચે ઓનલાઇન સર્વે હાથ ધર્યો હતો. જેથી ધીરાણકર્તાઓ અને બિન-ધીરાણકર્તાઓનાં જોખમો વિશેની પ્રારંભિક ધારણાઓ જાણી શકાય. અમુક પસંદ કરાયેલા ઉત્તરદાતાઓ સાથે ઝીણવટભર્યા ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. દરેક જોખમ માટે સર્વેમાં દરેક વ્યક્તિને 1 થી 7 ના સ્કેલ પર જોખમોને રેન્ક આપવા જણાવ્યું હતું, જેમાં 1 સૌથી ઓછી તીવ્રતાનું જોખમ અને 7 સૌથી વધુ છે. ડિજિટલ લેન્ડિંગમાં અહીં ટોચના પાંચ જોખમો આપેલા છે.
ક્રેડિબિલિટીનો અભાવ- સર્વેમાં ભાગ લેનારા 90 ટકા લોકોએ ઉલ્લેખ કર્યો છે કે ટોચનું જોખમ અનૈતિક ફિનટેક લેન્ડર્સ છે, જેનો સ્કોર 7 માંથી 6.3 છે. આ પ્રકારના ફિનટેક ધીરાણકર્તા અનધિકૃત હોય છે, વધુ પડતી પ્રોસેસિંગ ફી વસૂલે છે, નિયમો અને શરતો જાહેર કરતા નથી અને આક્રમક કલેક્શન પદ્ધતિઓ અપનાવે છે. આ લેન્ડર્સ લોન લેનારાઓને નુકસાન પહોંચાડે છે અને ડિજિટલ ધીરાણમાં તેમના વિશ્વાસ હચમચાવી દે છે. ડિજિટલ ધીરાણ પર આરબીઆઈના કાર્યકારી જૂથને ભારતીય એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે લગભગ 1,100 ધીરાણ એપ્લિકેશનો ઉપલબ્ધ હોવાનું જણાયું હતું, જેમાંથી લગભગ 600 ગેરકાયદે હતી.
સાયબર ફ્રોડ- સર્વેમાં ભાગ લેનારા 83 ટકા લોકોએ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને 7માંથી 5.5ના સ્કોર સાથે બીજા ક્રમનું સૌથી ગંભીર જોખમ ગણાવ્યું હતું. આઇડેન્ટીટી થેફ્ટના રૂપમાં જોખમ છે. સાયબર ફ્રોડમાં સોશિયલ મીડિયા પર કંપનીના લોગો સાથે બનાવટી પેજના કિસ્સાઓ છે અને દાવો કરવામાં આવે છે કે તેઓ ફિનટેક લેન્ડર તરફથી ડેટા એકત્રિત કરી રહ્યા છે, ધીરાણ લેનારાઓને વાયદો આપે છે કે જો તેઓ તેમના પેજીસ દ્વારા લોન માટે અરજી કરે છે, તો લોન લેનારને વધુ સારા દરો મળશે અથવા લોનની ચુકવણી પર ડિસ્કાઉન્ટ મળશે. આવા ફેક પેજીસને મોનીટર કરવા ખૂબ અઘરા હોય છે.
ડેટા પ્રાઇવસી- સર્વેમાં ભાગ લેનારા 73 ટકા લોકોએ ડેટા પ્રાઇવસીને ગંભીર જોખમ ગણાવ્યું હતું. જેમાં 7માંથી 5.1નો સ્કોર હતો. સારા ડેટા પ્રોટેક્શન કાયદાનો અને માપદંડોનો અભાવ ડિજિટલ ફિનટેક ઇન્ડસ્ટ્રી માટે નોન-કોમ્પ્લીએન્સનું જોખમ ઊભું કરે છે. મોટેભાગે, સંભવિત લોન લેનાર ધીરાણ આપતી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે મોબાઇલ ડિવાઇસ પર માંગવામાં આવેલી વ્યક્તિગત માહિતી અથવા મેસેજ, કોન્ટેક્ટ, ફાઇલો વગેરેને ઍક્સેસ કરવાના રાઇટ્સ સબમિટ કરે છે.
અનુપાલનનો અભાવ- સર્વેમાં ભાગ લેનારા 65 ટકા લોકોએ અનુપાલન ન કરવાને (non-compliance) ગંભીર જોખમ ગણાવ્યું હતું, જેમાં 7માંથી 5નો સ્કોર હતો. નિયમનકારો સાથે અસ્પષ્ટ વાતચીતના કારણે, એવો ભય છે કે ફિનટેક ધીરાણકર્તા દ્વારા માર્ગદર્શિકાઓનો અલગ અલગ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે, જે ફાઇન્સ અને પેનલ્ટીઝ તરફ દોરી જાય છે અને ધીરાણ લેનારાઓનો વિશ્વાસ ઘટે છે. ફિનટેક લેન્ડર્સે નિયમોનું પારદર્શક અને સલાહકાર ઘડતર સુનિશ્ચિત કરવું જોઇએ અને ત્યાં વ્યવસ્થિત ચર્ચાવિચારણા કરવી જોઈએ. વિશ્વાસ મેળવવા માટે લોકોની સુલભતા માટે મીટિંગનો સમય આપવો જોઈએ.
અયોગ્ય પ્રેક્ટિસ- 60 ટકા લોકોએ અયોગ્ય પ્રેક્ટિસને 77 માંથી 4.9ના સ્કોર સાથે ગંભીર જોખમ તરીકે દર્શાવી હતી. આક્રમક માર્કેટિંગ અને કલેક્શન પદ્ધતિના કારણે ધીરાણ લેનારાઓને નુકસાન થયું છે. અયોગ્ય વ્યવહારની ફરિયાદો વ્યાપકપણે ઉઠે છે અને તેમાત્ર શહેરી વિભાગ અથવા અમુક વિસ્તારો સુધી મર્યાદિત નથી. આરબીઆઈએ રિકવરી પ્રથાઓ પર કડક માર્ગદર્શિકા જારી કરી છે. આ સાથે નિયમોનું પાલન ન કરનાર સંસ્થા સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
ફ્રોડથી બચવા માટે ટીપ્સ: ડિજિટલ ફિનટેક લેન્ડર પાસેથી ઉધાર લેતી વખતે તમારે સાવચેતી રાખવી જોઈએ અને નાણાકીય છેતરપિંડીનો ભોગ બનવાની સંભાવનાઓ ઘટાડવી જોઈએ. ઉધાર લેતી વખતે તમારા ધીરાણકર્તાને સારી રીતે ઓળખો, આરબીઆઈ-રજિસ્ટર્ડ લેન્ડરને જ પસંદ કરો, મેઇલ અથવા સંદેશાઓમાં મળતી કોઇ પણ લિંક્સ પર ક્લિક કરશો નહીં અને ઝડપી લોન ઓફર સાથે દબાણયુક્ત ડિજિટલ લેન્ડર્સથી દૂર રહો. જો તમે ડિજિટલ ધીરાણકર્તા પાસેથી લોન લેવાનું નક્કી કર્યું હોય તો તમારે ઇન્સ્ટોલ કરતા પહેલા ધીરાણ એપ્લિકેશનની યુઝર રીવ્યૂઝ વાંચવા જોઇએ, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જને જાણો. ઉપરાંત, નોંધણી કરતી વખતે અથવા ઇન્સ્ટોલ કરતી વખતે ધીરાણ આપતી એપ્લિકેશનને તમારા ઇમેઇલ, ફોટા, સંદેશા, સંપર્કો વગેરે ઍક્સેસ કરવાની પરમિશન આપતા પહેલા અન્ય નિયમો અને શરતો ખાસ વાંચો.