મુંબઈ: દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેમની મૂડી સુરક્ષિત રહે. તેઓ જ્યાં પણ રોકાણ કરે ત્યાં તેમને સારું વ્યાજ મળે. પોતાના રોકાણ પર નિયમિત આવકની સૌથી વધારે જરૂરિયાત વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને હોય છે. સારું વળતર મેળવવા માટે સીનિયર સિટીઝન પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY), સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS) અને વિવિધ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્કીમમાં રોકાણ કરતા હોય છે. આ સ્કીમમાં સીનિયર સિટીઝનને દર મહિને અથવા ત્રણ મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. જેનાથી તેઓ પોતાનો જીવન નિર્વાહ ખર્ચ કરી શકે છે. તો જાણીએ કઈ સ્કીમ તેમના માટે વધારે ફાયદાકારક છે.
પોસ્ટ ઑફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS): પોસ્ટ ઑફિસ મંથલી ઇન્કમ સ્કીમ માટે સીનિયર સિટીઝન પાંચ વર્ષ માટે રોકાણ કરી શકે છે. આના પર વાર્ષિક 6.6 ટકા વ્યાજ મળે છે અને તેમાં જમાકર્તાને દર મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ સ્કીમમાં તમે 4.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. જો સંયુક્ત ખાતું હોય તો નવ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. આ સ્કીમમાં જમાકર્તા એક વર્ષ પહેલા મૂડી નથી ઉપાડી શકતા. પ્રીમેચ્યોર વિડ્રોઅલ પર ઓછું વ્યાજ મળશે. એક વર્ષથી ત્રણ વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરવા પર બે ટકા પેનલ્ટી અને ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધી એકાઉન્ટ બંધ કરવા પર એક ટકા પેનલ્ટી લાગશે.
સીનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ (SCSS): સીનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ અંતર્ગત વૃદ્ધ નાગરિક પાંચ વર્ષ માટે પૈસા જમા કરાવી શકે છે. મેચ્યોરિટી તબક્કો પૂર્ણ થયા બાદ આ સમયગાળાના વધુ ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. SCSSમાં વરિષ્ઠ નાગરિકને 7.4 ટકા વ્યાજ મળે છે. જેમાં દર ત્રણ મહિને વ્યાજ મળે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમાં એક હજાર રૂપિયાથી લઈને 156 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ યોજના અંતર્ગત મૂડી જમા કરાવનાર લોકોને ઇન્કમ ટેક્સ સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. આ સ્કીમમાં પાંચ વર્ષ પહેલા ખાતું બંધ કરવા પર પેનલ્ટી લાગે છે, જે મૂળ રકમના એકથી દોઢ ટકા હોઈ શકે છે.
પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY): પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના અંતર્ગત 10 વર્ષ માટે મૂડી જમા કરાવી શકાય છે. જેમાં જમાકર્તાના વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. આ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પેન્શન સ્કીમ છે, જે ચોથી મે, 2017ના રોજ લૉંચ કરવામાં આવી હતી. હવે તેની મર્યાદા વધુ ત્રણ વર્ષ માટે વધારી દેવામાં આવી છે. સીનિયર સિટીઝન 21મી માર્ચ, 2021 સુધી આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના અંતર્ગત વર્ષના અંતે પેન્શન મળે છે. જોકે, જમાકર્તા ઇચ્છે તો દર મહિને કે પછી દર ત્રણ મહિને પેન્શન ઉપાડી શકે છે. આ સ્કીમમાં ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ જમાકર્તા જમા કરવામાં આવેલી રકમમાંથી 75 ટકા રકમ પોતાની જરૂરિચાત માટે ઉપાડી શકે છે.
બેંક એફડી (Bank FD): દેશની લગભગ તમામ બેંક સીનિયર સિટીઝન માટે એફડી સ્કીમ ચલાવે છે. જેમાં સીનિયર સિટીઝનને સામાન્ય ગ્રાહકની સરખામણીમાં 0.50 ટકા વધારે વ્યાજ મળતું હોય છે. અમુક ખાનગી બેંકો 1 ટકા સુધી વધારે વ્યાજ આપે છે. ગ્રાહકો ઓછામાં ઓછા સાત દિવસથી 10 વર્ષ સુધી એફડી કરાવી શકે છે. બેંક એક વર્ષ માટે ચાર ટકાની આસપાસ વ્યાજ આપે છે. જ્યારે પાંચ વર્ષ માટે એફડી કરવા પર 5.5 ટકાથી છ ટકા સુધી વ્યાજ મળે છે. અમુક ખાનગી બેંકો અને સ્મૉલ ફાઇનાન્સિયલ બેંકો એફડી પર આઠ ટકા સુધી વ્યાજ આપે છે. બેંક એફડી પર વ્યાજ તમે ઇચ્છો તો દર મહિના ઉપાડી શકો છો.