શું તમને ખબર છે ભારતીય પોસ્ટ બેન્કિંગની સુવિધા પણ આપે છે. પોસ્ટ ઓફિસ લોકોને બચત ખાતું ખોલવાની સુવિધા આપે છે. આની ખાસિયત એવી છે કે આ એકાઉન્ટ રૂ. 20માં ખોલી શકાય છે, આ ખાતામાં મિનિમન બેલેન્સ પણ ફક્ત રૂ. 50 જ રાખવું પડે છે. પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ બેંક એકાઉન્ટ જેવું જ છે. પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં ATM કાર્ડ તેમજ ચેકબુક પણ મળે છે. આ એકાઉન્ટ પર ચાર ટકા વ્યાજ મળે છે.
બે પ્રકારના ખાતા ખુલે છે : પોસ્ટ ઓફિસમાં બે પ્રકારના સેવિંગ ખાતા ખુલે છે. એક એકાઉન્ટ રૂ. 20થી ખોલી શકાય છે. આ ખાતામાં સિંગલ નામ પર એક લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે, તેમજ સંયુક્ત નામ પર રૂ. 2 લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે. જોકે, આ એકાઉન્ટમાં ચેકબુકની સુવિધા નથી મળતી. આ એકાઉન્ટમાં ઓછામાં ઓછું રૂ. 50નું બેલેન્સ રાખવું પડે છે.
બચત ખાતું ખોલવા માટે આ દસ્તાવેજ જરૂરી : ઓળખના પુરાવા માટે મતદાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે. સરનામાના પુરાવા માટે બેંકની પાસબુક, પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ફોન બિલ કે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેની સાથે જ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને સંયુક્ત ખાતા માટે સાથીનો ફોટો જરૂરી છે.
એકાઉન્ટની ખાસિયતઃ નોન ચેક સુવિધા સાથેનું બચત ખાતું રૂ. 20 આપીને ખોલી શકાય છે. તેમાં ફક્ત રૂ. 50 જ બેલેન્સ રાખવું જરૂરી છે. ચેકની સુવિધા સાથેનું બચત ખાતું રૂ. 500 આપીને ખોલાવી શકાય છે. આ ખાતામાં રૂ. 500 બેલેન્સ રાખવું જરૂરી છે. તમામ બચત ખાતામાં રૂ. 10 હજાર સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી છે. બે અથવા ત્રણ વયસ્ક વ્યક્તિઓ એક સાથે ખાતું ખોલી શકે છે. બચત ખાતાને ચાલુ રાખવા માટે ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એક લેવડ-દેવડ જરૂરી છે.