વધતી જતી મોંઘવારીએ (Rising inflation) મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી છે. હવે લોકો માટે બચતના વિકલ્પ તરીકે સોનાને (Gold for Saving) પસંદ કરતા પહેલા પણ વિચાર કરવો પડે છે. કારણ કે વિશ્વભરમાં મોંઘવારી તેના પીક પર છે અને તેવામાં જો સોનું મર્યાદિત રીટર્ન (Limited Return) આપે છે તો મોંઘવારીના કારણે તમારું રોકાણ નુકસાન બની શકે છે. આ અસમંજસના કારણે જ રોકાણકારો સોનામાં પૈસા રોકતા ખચકાય છે. જોકે, બીજી તરફ બજાર વિશ્લેષકો આ અંગે સંપૂર્ણ નિશ્ચિત છે કે સોનું હજુ પણ રોકાણકારો માટે ફાયદાનો વિકલ્પ છે. વિશ્લેષકો અનુસાર સોનાના ભાવોમાં ભલે વધારો ઘટાડો આવે પરંતુ લાંબા સમયગાળામાં મોંઘવારીના દરોની અસરને ખતમ (gold outperformed inflation in short term invest) કરવામાં સફળ રહ્યું છે.
લાંબાગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ: મનીકંટ્રોલમાં આપવામાં આવેલ આર્ટિકલ અનુસાર, સોનું હજુ પણ રોકાણ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, મોંઘવારીના કારણ રોકાણના અન્ય વિકલ્પોમાં તે નુકસાનકારક સાબિત થઇ રહ્યું છે. આંકડાઓ અનુસાર ડોલરની કિંમતમાં સોનું 2021ના નીચલા સ્તરોથી 9 ટકા વૃદ્ધિ દર્શાવી ચૂક્યું છે. તો રૂપિયાની કિંમતમાં સોનું વર્ષ 2021ના તેના નીચલા સ્તરથી 15 ટકા વધી ચૂક્યું છે.
જો મોંઘવારીના પરીપ્રેક્ષ્યથી સોનાનું પ્રદર્શન જોઇએ તો જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2022ની વચ્ચે સોનામાં મોંઘવારી કરતા વધુ તેજી છે. એટલે કે સોનું મોંઘવારીની અસરોને ખતમ કરી રહ્યું છે. તો સાથે વર્ષ 2010થી 2022ની વચ્ચે સોનાનું પ્રદર્શન જોઇએ તો થોડા સમયને બાદ કરતા સોનાએ મોંઘવારીની અસરને ઘણા અંશે ખતમ કરી હતી. એટલે કે સોનામાં રોકાણ કરવું મોંઘવારીમાંથી તમને સુરક્ષા આપે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યું સોનું: રીઝર્વ બેંકના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોનું નાણાકિય સંપત્તિના ગુણધર્મો ધરાવે છે અને એક ખાસ એસેટ છે. તે એક તરફ બજારમાં ઘટાડાના સમયે નુકસાન ઓછું કરવામાં મદદ કરે છે. તો લાંબી અવધિ માટે સારું રીટર્ન પણ આપે છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, સોનાએ લાંબાગાળાના રોકાણમાં સકારાત્મક રીટર્ન આપ્યું છે અને આ રીટર્ન અન્ય મુખ્ય એસેટ ક્લાસની સરખામણીમાં ઘણું સારું છે.
વધુમાં રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા અમુક દાયકાઓમાં ઇક્વિટી, ક્રેડિટ, રીયલ્ટી અને ગોલ્ડના પ્રદર્શન અને ડોલરની ગતિનો સોના પર પડેલા પ્રભાવ અંગે થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, સોનામાં રોકાણ પહેલા કરતા વધુ સુરક્ષિત થઇ રહ્યું છે અને બીજા એસેટ્સની સરખામણીમાં આર્થિક સંકટ પહેલા અને સંકટ દરમિયાન સોનાની ગતિ વધુ સારી રહે છે.
કેવી હોવી જોઇએ રોકાણની રણનીતિ? એક્સિસ બેંક દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર, તમારે કોઇ પણ એક જ એસેટમાં તમારું સમગ્ર રોકાણ ન રાખવું જોઇએ. તમારા ઉદ્દેશ્યના આધારે તેને અલગ અલગ એસેટમાં રોકી શકો છો. લાંબાગાળામાં તમારા કુલ રોકાણના 15 ટકા ભાગને સોનામાં રોકવાની સલાહ બેંક આપે છે. તો ઓછા સમયગાળામાં આ દર 5 ટકા સુધી રાખી શકો છો. બેંક અનુસાર સોનું અનિશ્ચિતતામાં સુરક્ષિત વિકલ્પ હોય છે. શેર અથવા સિક્યોરિટીની સરખામણીમાં ગોલ્ડ પર ઉધાર મેળવવો કે તેના પર રોકડ મેળવવી વધુ સરળ હોય છે. તેથી તમારા પોર્ટફોલિયોમાં સોનું અવશ્ય રાખવું જોઇએ. જોકે, સોના પર રીટર્ન શેરની સરખામણીમાં ઓછું હોય છે, તેથી જ રોકાણનો ખૂબ ઓછો ભાગ તેમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે.