નવી દિલ્હી: 24 જાન્યુઆરી એટલે કે આજે સતત પાંચમા ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેર બજાર (Indian share Market)માં ઘટાડો જોવા મળ્યો હતો. બપોર સુધી માર્કેટ (Share Market) લગભગ 2 ટકા તૂટી ગયું હતું. પાંચ દિવસની વેચવાલી દરમિયાન રોકાણકારોને આશરે 17.5 લાખ કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. 17 જાન્યુઆરીથી અત્યારસુધી નિફ્ટી (NIFTY) આશરે 1100 પોઈન્ટ અને સેન્સેક્સ (Sensex) આશરે 3300 પોઈન્ટ તૂટ્યો છે. શેર બજારમાં આવેલા ઘટાડા પાછળના કારણો પર નજર કરીએ. આજે સેન્સેક્સ (Sensex Down) 1545.67 પોઈન્ટ ઘટીને 57,491.51 અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty down) 468.05 અંક ઘટીને 17,149.10 અંક પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે આશરે 2.60 ટકાનો કડાકો બોલી ગયો હતો.
1) વૈશ્વિક બજારમં વેચવાલી : અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધારાની સંભાવના વચ્ચે આખી દુનિયામાં વેચવાલીનું દબાણ વધ્યું છે. યૂએસ ફેડની આગામી પૉલિસી મીટ 25-26 જાન્યુઆરીના રોજ મળશે. નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે 2022માં મોંઘવારી વધતા ફેડ પૉલિસીમાં કડકાઈ આવશે. 21 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલું અઠવાડિયું અમેરિકન સ્ટૉક ઇન્ડેક્સ માટે અત્યારસુધીનું સૌથી ખરાબ રહ્યું છે. વ્યાજદરોમાં વધારાનું ભૂત શેર બજાર પર હાવી થઈ ગયું છે.
2) ઉંધે માથે પટકાયા ટેક શેર : છેલ્લા થોડા મહિનાઓમાં ભારે વોલ્યૂમ સાથે શેર બજારમાં લિસ્ટ થયેલા ટેક્નોલોજી શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખૂબ ઊંડી અસર પડી છે. રિટેલ અને હાઈ નેટવર્થ રોકાણકારોએ આ સ્ટૉક્સ પર મોટો દાવ લગાવ્યો હતો, હવે તેમને મોટો ઝટકો લાગ્યો છે. યૂએસ ફેડ તરફથી અનેક વખત વ્યાજ દર વધારવાની સંભાવનાથી આ શેરોને સૌથી વધારે ઝટકો લાગ્યો છે. આખી દુનિયામાં અને ખાસ કરીને અમેરિકામાં ટેક્નોલોજી સેક્ટર ખૂબ દબાણ હેઠળ છે.
3) કોવિડના વધી રહેલા કેસ: ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી દરરોજ ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે બજારમાં ચિંતા વ્યાપી છે. તમામ રાજ્યોએ પ્રતિબંધ લાગૂ કરી દીધા છે અથવા પ્રતિબંધને વધારે કડક બનાવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું કરવાથી નજીકના ભવિષ્યમાં અર્થતંત્રની ગતિવિધિ પર અસર પડશે.
4) કંપનીની કમાણી પર અસર: ત્રીજા ત્રિમાસિકના પરિણામોના શરૂઆતના વલણ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ ખેલ બગાડશે. આના પગલે વધુ એક ત્રિમાસિક દરમિયાન કંપનીના પ્રૉફિટ માર્જિન પર અસર પડશે. જોકે, કંપનીઓની આવક અપેક્ષાની આસપાસ જ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ-19ના કેસમાં વધારો અને ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો વર્તમાન ત્રિમાસિકમાં પણ કંપનીઓના માર્જિન પર દબાણ વધારશે.