80Dમાં હેલ્થ ઈન્શ્યોરન્સ માટે નાણાકીય વર્ષ દરમિયાન ભરવામાં આવેલા પ્રીમિયમને કર યોગ્ય આવકમાંથી ઘટાડી શકાય છે. આમાં કોઈ વ્યક્તિ મહત્તમ 25,000 રૂપિયાની છૂટ માટે દાવો કરી શકે છે. જો કોઈ વ્યક્તિ તેના માતા-પિતાના હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરે છે, તો તે મહત્તમ 50,000 રૂપિયાની છૂટનો દાવો કરી શકે છે. આ રીતે દરેક વ્યક્તિને એક નાણાકીય વર્ષમાં 75,000 રૂપિયાની છૂટ મળી શકે છે.
સ્લેબ પ્રમાણે કેટલી છૂટ મળશે - જો તમારી આવક 2.50 લાખથી 5.00 લાખ રૂપિયા સુધી છે અને તમે 25,000 રૂપિયા પ્રીમિયમ ભરો છો, તો તમને 5.20 ટકા કે 1300 રૂપિયાની છૂટ મળશે. જો તમે 5 લાખથી લઈને 10 લાખ સુધીના સ્લેબમાં આવો છો, અને 25,000 રૂપિયાનું પ્રીમિયમ ભરો છો, તો તમને 20.80 ટકા કે 5200 રૂપિયાની છૂટ મળશે. જ્યારે તમારી આવક, 10 લાખ રૂપિયાથી વધારે છે અને તમે 25,000 રૂપિયા પ્રીમિયમની ચૂકવણી કરો છો, તો તમને 31.20 ટકા કે 7800 રૂપિયાની છૂટ મળશે.