નવી દિલ્હી: ભારતમાં સોનામાં રોકાણ કરવાને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો સોનામાં રોકાણને ખૂબ જ સુરક્ષિત અને ઉત્તમ માને છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક નિશ્ચિત મર્યાદા કરતા વધારે સોનાની ખરીદી કરવા પર તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. હકીતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની ગાઇડલાઇન પ્રમાણે એક નિશ્ચિત મર્યાદાની વધારે સોનું ખરીદવું જોઈએ નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે જો તમે સોનું ખરીદો છો તો એ જરૂરી છે કે તમે ઇન્કમટેક્સ રિટર્નમાં તેની જાણકારી આપો. ગાઇડલાઇન પ્રમાણે નિશ્ચિત માર્યાદાથી વધારે સોનું ખરીદવા પર અને બિલ ન હોવા પર આવકવેરા વિભાગની કલમ 132 અનુસાર તમારી પૂછપરછ થઈ શકે છે.
કેટલું સોનું ખરીદી શકાય?: આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોનું ક્યાંથી આવ્યું તેનો માન્ય સ્ત્રોત અને પુરાવા આપે તો તે ઇચ્છે એટલું સોનું ઘરમાં રાખી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ આવકનો સ્ત્રોત જણાવ્યા વગર સોનું ઘરમાં રાખવા માંગે છે તો તેના માટે એક મર્યાદા નક્કી છે. નિયમ પ્રમાણે પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ, અપરિણીત યુવતી 250 ગ્રામ અને પુરુષ ફક્ત 100 સોનું પુરાવા વગર રાખી શકે છે. ત્રણેય કક્ષામાં નિર્ધારીત મર્યાદામાં ઘરમાં સોનું રાખવા પર ઇન્કમટેક્સ સોનાના આભૂષણ ઘરમાંથી જપ્ત નહીં કરે.
ગમે તેટલું સોનું ખરીદી શકાય તેવી માન્યતા : ભારતમાં લોકોને પોતાના પૂર્વજો અને સંબંધીઓ પાસેથી બિલ વગરનું સોનું મળે છે. જો તેમને ભેટ સ્વરૂપે 50,000 રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ જ્વેલરી કે પછી વારસામાં ગોલ્ડ, ગોલ્ડ જ્વેલરી કે ઘરેણા મળે છે તો તે ટેક્સેબલ નથી. પરંતુ આવા કેસમાં પણ સાબિત કરવું પડશે કે આ સોનું ભેટમાં મળ્યું છે.