નવી દિલ્હી: નવા વર્ષ (New Year 2021)માં તમારા જીવન સાથે જોડાયેલી અનેક વસ્તુઓ બદલાશે. મોબાઇલક, કાર, ટેક્સ, વીજળી, રસ્તા અને બેન્કિંગ સહિત અનેક જરૂરી વસ્તુઓ માટે નવા નિયમ નવા વર્ષથી લાગૂ થઈ રહ્યા છે. આની સીધી અસર આમ આદમી પર પડશે. પહેલી જાન્યુઆરીથી ચેકના પેમેન્ટ સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થશે. હવેથી 50 હજારથી વધારેના ચેકથી પેમેન્ટ પર પૉઝિટિવ પે સિસ્ટમ લાગૂ થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ ચાર પૈંડાવાળા વાહનો માટે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કર્યો છે. આ ઉપરાંત ભારતીય મધ્યસ્થ બેંકે કૉન્ટાક્ટલેસ કાર્ડની લિમિટ બે હજારમાંથી વધારીને પાંચ હજાર કરવાનો નિર્ણય કર્યો છે. તો જાણીએ નવા વર્ષથી કયા કયા નિયમો બદલાશે અને તેની તમારા પર શું અસર થશે.
મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમ- SEBIએ મલ્ટીકેપ મ્યૂચ્યુઅલ ફંડ માટે અસેટ અલોકેશનના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ પ્રમાણે હવે ફંડનો 75 ટકા હિસ્સો ઇક્વિટિમાં રોકવો જરૂરી બનશે, જે હાલ 65 ટકા છે. SEBIના નવા નિયમ પ્રમાણે ફંડ્સમાં મિડકેપ અને સ્મૉલકેપમાં 25-25 ટકા રોકાણ જરૂરી બનશે. જ્યારે 25 ટકા લાર્જ કેપમાં રોકવા પડશે.
ઓછા પ્રીમિયમમાં ટર્મ પ્લાન- IRDAIએ વીમા કંપનીઓને આરોગ્ય સંજીવની નામનો સ્ટાન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ 'પૉલિસી સરળ જીવન વીમા' નામે છે. આ સ્કીમમાં ગ્રાહકોને કંપનીઓ તરફથી પહેલાથી આપવામાં આવેલા જાણકારીના આધારે નિર્ણય લેવામાં મદદ કરશે. 18થી 65 વર્ષની વય સુધીની વ્યક્તિઓ આ પોલીસી ખરીદી શકશે.
વીજળી કનેક્શન- વીજળી મંત્રાલય પહેલી જાન્યુઆરીથી ગ્રાહકોના અધિકાર અંગેના નિયમો લાગૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ રીતે વીજળી વિતરણ કંપનીઓએ નિર્ધારિત સમયમાં ગ્રાહકોને સેવા આપવી પડશે, આવું નહીં કરવામાં આવે તો વપરાશકર્તા તેની પાસેથી દંડ વસૂલ કરી શકશે. હાલ આ અંગેનો ડ્રાફ્ટ કાયદા મંત્રાલય પાસે છે. મંજૂરી મળ્યા બાદ નવું કનેક્શન માટે વધારે કાગળની કાર્યવાહી કરવાની પણ જરૂરી નહીં રહે.
વોટ્સએપ અમુક ફોનમાં નહીં ચાલે-ખૂબ જ પ્રસિદ્ધ મેસેજિંગ એપ્લિકેશન વૉટ્સએપ પહેલી જાન્યુઆરીથી અમુક ફોન માટે સપોર્ટ બંધ કરી દેશે. વૉટ્સએપના કહેવા પ્રમાણે તે એન્ડ્રોઇડ OS 4.0.3 અને તેનાથી ઉપર, iOS 9 અને તેનાથી ઉપરની ઓએસ તેમજ KaiOS 2.5.1 પર ચાલતા ફોન તેમજ JioPhone અને JioPhone 2 માટે સપોર્ટ ચાલુ રાખશે. બાકી ફોન માટે સપોર્ટ બંધ કરી દેશે.