નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યારે ઐતિહાસિક ઊંચાઈએ છે. જેના કારણે લોકો તોબા પોકારી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ. 90-100 સુધી પહોંચ્યા છે. છેલ્લા નવ મહિનાથી ઇંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટી શકે તે માટે આયોજન ઘડી કાઢ્યું છે. કેન્દ્ર સરકાર તિજોરી ઉપર ભારણ ન આવે, તે રીતે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 8.5નો ઘટાડો કરી શકે તેમ છે.
સામાન્ય રીતે સરકારને ઇંધણ ઉપર લાદવામાં આવેલા કરવેરાથી મસમોટી આવક થતી હોય છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે, અત્યારે વધેલા ભાવમાં રાહત આપીને પણ સરકારની આવક ઉપર અસર થશે નહીં. છેલ્લા નવ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે, આ અસહ્ય ભાવમાં લોકોને રાહત મળે તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે તેવી માંગણી વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2022માં એટલે કે એપ્રિલ 2021થી માર્ચ 2022 દરમિયાન પેટ્રોલ-ડીઝલ ઉપર કરવેરાથી રૂ 3.2 લાખ કરોડનાની આવક થશે, તેવી ધારણા રાખવામાં આવી હતી. જોકે, સરકારના કરવેરાના કારણે ધારણા કરતા આવક વધીને 4.35 લાખ કરોડે પહોંચી શકે તેમ છે. જેથી આગામી 1 એપ્રિલ 2021થી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થાય તો પણ તિજોરી ઉપર ભારણ પડશે નહીં. પેટ્રોલમાં પ્રતિ લિટરે જે ભાવ ચુકવવામાં આવે છે, તેમાંથી 60 ટકા હિસ્સો રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સના કારણે થાય છે. જયારે ડીઝલમાં આ હિસ્સો 54 ટકાનો છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 91.17માં વેચાય છે. જ્યારે ડીઝલ 81.47માં વેચાય છે.
પેટ્રોલમાં પ્રતિ લીટરે રૂ. 11.11 અને ડીઝલ પર 13.47નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સરકારની તિજોરીમાં આબકારી આવક 2014-15ના રૂ. 99,000 કરોડ કરતા બેગણીથી વધુ વધીને 2016-17માં રૂ. 2.42 લાખ કરોડ થવા પામી હતી. સરકારે ઓક્ટોબર 2017માં એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા અને એક વર્ષ પછી 1.50 રૂપિયા ઘટાડ્યા હતા. પરંતુ, તેણે જુલાઈ 2019માં એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટરે 2 રૂપિયા સુધી વધારી હતી. ઉપરાંત માર્ચ 2020માં ફરીથી એકસાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે દીઠ રૂ. ત્રણનો વધારો ઝીંક્યો હતો.