

નવી દિલ્હીઃ સોનાના ભાવ (Gold Price) સતત રેકોર્ડ સ્તરને સ્પર્શી રહ્યા છે. ગત 26 જૂને 10 ગ્રામ સોનાનો ભાવ 48,589 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. કોરોના વાયરસ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global Economy)ને લઈને વધતી અનિશ્ચિતતાની વચ્ચે સોનાના ભાવ (Yellow metal Rates)માં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ મ્યૂચ્યૂઅલ ફંડ્સ (Gold Mutual Fund Return)ને પણ 40.39 ટકાનું રેકોર્ડ રિટર્ન આપ્યું છે. અન્ય અસેટ ક્લાસ તથા કેટેગરીની તુલનામાં આ ઘણું વધારે છે.


આર્થિક અનિશ્ચિતતાથી ગોલ્ડને સપોર્ટ મળ્યો - આ મામલા સાથે જોડાયેલા એક એક્સપર્ટનું કહેવું છે કે IMFએ વૈશ્વિક ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે અને કહ્યું છે કે હાલની મહામારીથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓની હાલત ખૂબ ખરાબ તથા ચિંતાજનક હશે. IMFના અનુમાન મુજબ, 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.9 ટકાનો ઘટાડો આવશે. આજ કારણ છે કે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.


ગોલ્ડમાં ડિફોલ્ટ તથા ક્રેડિટનું જોખમ નથી - એક અન્ય એક્સપર્ટનું કહેવું છે કે ભલે વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ગોલ્ડમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, પરંતુ ગોલ્ડનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો હજુ પણ રોકાણ કરવાનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. એક દશકમાં ગોલ્ડ પર મળનારા રિટર્નને જોતાં જાણવા મળે છે કે તેમાં રોકાણ કરવું જોઈએ.


છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો જાણવા મળશે કે આ દરમિયાન સોનામાં ખૂબ ઓછું અવમૂલ્યન જોવા મળ્યું છે. અસેટ ક્લાસ તરીકે ગોલ્ડ ફંડમાં ન તો કોઈ ડિફોલ્ટનું જોખમ અને ન તો ક્રેડિટનું જોખમ છે. લાંબી અવધિમાં મોંઘવારી દરની વાત કરીએ તો તે 7થી 8 ટકાની નજીક રહ્યો છે અને ગોલ્ડે લગભગ તેની આસપાસ જ રિટર્ન આપ્યું છે.


જોકે, એક્સપર્ટ્સનું એવું પણ કહેવું છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ પણ જોવા મળી શકે છે. ગત બુધવારે લગભગ સાડા સાત વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ વેચાવલીના કારણે તેના ભાવમાં ઘટાડો પણ આવ્યો.