મુંબઈઃ કોરોના વેક્સીન (Coronavirus Vaccine)ને લઈને સતત આવી રહેલા હકારાત્મક અહેવાલોને કારણે દુનિયાભરના શૅર બજાર (Stock Markets)માં ખરીદી પરત ફરી છે. તેના કારણે સોનાના ભાવ (Gold Prices Down)માં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ (Reuters) મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ 5 ટકાથી વધુ ઘટ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્થાનિક બજારોમાં સોનાના ભાવ વધુ ગબડી શકે છે. હાલના સ્તરથી ભાવ 5-8 ટકાના ઘટાડાની શક્યતા છે.
એવું તો શું થયું કે, સોનાના ભાવમાં મોટું ગાબડું પડ્યું? - અમેરિકાના શૅર બજારોમાં મંગળવારની રાત્રે ખરીદી પરત ફરી છે, જેના કારણે રોકાણકારોનું વલણ હવે ફરીથી શૅર બજારની તરફ વધ્યું છે. બજારો પર કોરોના વેક્સીનના અહેવાલોની સકારાત્મક અસર જોવા મળી. અમેરિકાના શૅર બજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ S&P 500 નવા રેકોર્ડ સ્તરની ખૂબ નજીક પહોંચી ગયો.
હવે શું થશે? - એક્સપર્ટ્સ જણાવે છે કે, સોનાનો ભાવ અનેકવાર મુશ્કેલ સમયમાં ચમકે છે. 1970ના દશકમાં આવેલી મંદીમાં સોનાનો ભાવ નવા શિખર પર પહોંચ્યો. ત્યારબાદ 2008ની આર્થિક મંદીમાં પણ આવું જ જોવા મળ્યું. આંકડાઓ પર નજર કરીએ તો 80ના દશકમાં સોનું સાત ગણાથી વધુ ચઢીને 850 ડૉલર પ્રતિ ઓન્સના રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયું હતું.