નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver Rate Today)માં હાલ ઉતાર અને ચઢાવ ચાલુ છે. સરાફા બજારમાં સોનાની કિંમત (Gold rate)માં વધારો થયો છે, જ્યારે ચાંદીની કિંમત (Silver rate)માં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં સોનાની કિંમતમાં 6 ટકાનો વધારો થયો છે. આથી લોકોમાં એવી ચર્ચા છેડાઈ છે કે શું સોનાનો ભાવ પહેલાની જેમ રેકોર્ડ સ્તર પર પહોંચી જશે? ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2020માં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂપિયા 56,200 પર પહોંચી હતી.
શું ભાવ ફરીથી 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે?: ભારતમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. જેના પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ ગણાતા સોના તરફ વળ્યા છે. આ જ કારણે છેલ્લા થોડા દિવસોથી સોનાની કિંમત વધી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં તેજી પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળશે.
2021માં સોનું રેકોર્ડ સ્તર પર પહોંચશે: નિષ્ણાતોનું કહેવું છે કે જેમ જેમ દુનિયામાં કોરોના વેક્સીનનું અભિયાન ગતિ પકડી રહ્યું છે તેમ તેમ રોકાણકારો રોકાણ માટે નવા વિકલ્પ શોધી રહ્યા છે. જેનાથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, તેમને નથી લાગતું કે આ સ્થિતિ કાયમ રહેશે. દુનિયાના મોટાભાગના શેર બજારની સાથે સાથે ભારતીય શેર બજારે પણ ગતિ પકડી છે. આ દરમિયાન નફા વસૂલી થવાથી બજારમાં મોટો કડાકો જોવા મળે છે.
શેર બજાર ટોંચ પર પહોંચે છે ત્યારે તેમાં નફાની સાથે સાથે જોખમ પણ વધે છે. એવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરે છે. જેનાથી સોનાની કિંમતને સપોર્ટ મળે છે અને ભાવ વધવા લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું શરૂ થશે જેનાથી 2021માં પણ ગત વર્ષની જેમ સોનાની કિંમત વધવી નક્કી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2021માં સોનાની કિંમત 63,000 રૂપિયાનો નવો રેકોર્ડ કરશે.
કોવિડ-19ના કેસમાં સતત વધારે, ઓછું ઉત્પાદન, અમેરિકન ડૉલરનું નબળું પડવું અને અમેરિકન સરકારના QE પ્રોગ્રામને કારણે સોનાની કિંમતમાં તેજી આવી છે. કોરોનાના વધી રહેલા કેસ પાટા પર ચઢતી દેખાતી અર્થવ્યવસ્થા પર પ્રભાવ પાડી શકે છે.મિલવૂડ કેન ઇન્ટરનેશનલના સંસ્થાપક અને સીઈઓ નિશ ભટ્ટનું કહેવું છે કે કોરોનાની સ્થિતિ સ્થિર થવા સુધી સોનાની કિંમત વધી શકે છે.