આ વાત છે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામની જ્યાં પ્રગતિશીલ મહિલા ખેડૂત 7 વીઘા જમીનમાં અંજીરનો પાક લઈને વર્ષે 8-10 લાખની કમાણી કરી રહ્યા છે. વિલાસબેન દિનેશભાઈ સવસૈયા પોતાના સાત વીઘા જમીનની અંદર લોકડાઉન સમયે અંજીર વાવેતર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે અંજીરનું વાવેતર કરાયું હતું.ત્રણ પાક અંજીરના લેવામાં આવ્યા હતા. ત્રણેય પાકમાં સાતથી આઠ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.
અંજીર એ એક સૂકા અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશનું ફળ ઝાડ છે. ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટર જેટલું છે જેમાંથી 300 હેક્ટર વિસ્તાર ફક્ત મહારાષ્ટ્રમાં છે. થોડો વિસ્તાર બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ અંજીરની ખેતી થાય છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા જીલ્લામાં છૂટાછવાયા ખેતીના દાખલા મળી રહે છે. આ પાકની યોગ્ય સમયે છંટણી કરવી, ખાંચા પાડવા તેમજ ગેરું રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી.
અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઇ શકે છે. મધ્યમ કાળી અને ગોરાડુ જમીન અંજીરને વધુ માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આથી થોડા ક્ષારવાળી જમીનમાં પણ અંજીરના છોડની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. એટલું જ નહીં ગુજરાતનું હવામાન પણ ઘણાઅંશે અંજીની ખેતીને માફક આવે તેવું છે. જોકે જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય ત્યાં અંજીરની ખેતી કરવી હિતાવહ નથી.
અંજીરની ખેતીમાં છોડની રોપણી ખાસ કરીને જુલાઈ- ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે. આ માટે પહેલા જમીનને તૈયાર કરવી જોઈએ. જે માટે ખેતરમાં 4.5 થી 5 મીટરના અંતરે 60 સે.મી. × 60 સે.મી. × 60 સે.મી. માપના ખાડા મે મહિના દરમિયાન જ કરી લેવા જોઈએ. જે બાદ આ ખાડાને 15 દિવસ ખુલ્લા તાપમાં તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે 20 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 250 ગ્રામ દિવેલી ખોળ ભેળવીને પૂરી દેવા. આ પૂરતા પહેલાં તેમાં થોડો 5 ગ્રામ જેટલો બીએચસી પાઉડર તળીયે મૂકી દેવો.
સામાન્ય રીત અંજીર ઓછા પાણીએ થતો પાક ગણાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં અંજીરના પાકમાં પિયત અંગે કરવામાં લેવામાં આવેલ પ્રયોગમાં સામે આવ્યું છે કે નિયમિત પિયતથી વધુ સારું ઉત્પાદન થઈ શકે છે. ફળો કદમાં મોટા, સારી ગુણવતાવાળા તેમજ વધારે સંખ્યામાં બેસે છે. જે તે સ્થળના હવામાન અને જમીનના પ્રકારના આધારે વર્ષ દરમ્યાન 14 થી 17 પિયત આપવાં જોઈએ. શિયાળામાં 16 થી 18 દિવસના અંતરે જ્યારે ઉનાળામાં 6 થી 8 દિવસના અંતરે અને ચોમાસામાં જરૂર મુજબ પિયત આપવું જોઈએ.