પીએફની રકમમાંથી ઘર, ગાડી, સહિતની વસ્તુઓ ખરીદવા માંગતા લોકો માટે માઠા સમાચાર છે. જો ઇપીએફઓનું ચાલશે તો બહું ઝડપથી તમે કુલ જમા રકમના 60 ટકા રકમ જ ઉપાડી શકશો. આ નિયમ જેમની નોકરી જતી રહે છે તેમને પણ લાગુ પડે છે. એનો મતલબ એવો થાય છે કે નોકરી જવાના કેસમાં પણ તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી પૂરા પૈસા નહીં ઉપાડી શકો. આનાથી આ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આવું કરવા પાછળનું શું કારણ છે: તાજેતરના વર્ષોમાં ઇપીઓફઓ એકાઉન્ટ ધારકોએ મોટી સંખ્યામાં પોતાના એકાઉન્ટની પૂરી રકમ ઉપાડી લીધાની ઘટનાઓ સામે આવ્યા બાદ સંસ્થા આને લઈને ખૂબ જ ગંભીર છે. આથી ઇપીએફઓએ સરકારને એવો પ્રસ્તાવ આપ્યો છે કે ખાનગી કંપનીમાં કામ કરતા લોકોને કુલ જમા રાશીની 60 ટકા રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે.
નિષ્ણાતો શું કહે છે: કાયદાના નિષ્ણાતોનું આ અંગે કહેવું છે કે ઇપીએફઓના આ પ્રસ્તાવથી કાયદાકીય વિવાદ છેડાઈ શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો પૂરી રકમ ઉપાડવા માંગે છે. અમુક કેસમાં કર્મચારીઓને ગત સંસ્થાની ત્રણ મહિનાના પગાર જેટલી જ રકમ પીએફ એકાઉન્ટમાંથી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે, આ માટેની અરજી નોકરી જવાના ઓછામાં ઓછા એક મહિના પછી જ કરી શકાશે.