

નવી દિલ્હી : નોકરીયાત વર્ગને મોટો આંચકો લાગી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organisation- EPFO) પ્રોવિડન્ડ ફંડ (PF) પર વ્યાજદરોમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું છે. EPFO નાણાકિય વર્ષ 2020 માટે પીએફ ડિપૉઝિટ પર વ્યાજ દર 15 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.15 ટકા ઘટાડીને 8.50 ટકા કરી શકે છે.


નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતો. નોકરીયાત વર્ગ માટે પીએફ (PF) ભવિષ્યની સુરક્ષાનું મોટું માધ્યમ છે અને વ્યાજદર ઘટડાથી તેની પર સીધી અસર પડશે.


5 માર્ચે યોજાનારી સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટિંગમાં EPFO વિશે નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવશે.


'ઇકૉનોમિક્સ ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, લૉન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ્સ બૉન્ડ્સ (FDs) અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝથી EPFOની કમાણી છેલ્લા વર્ષમાં 50-80 બેસિસ પોઇન્ટ્સ ઘટી છે.


EPFOએ બે નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશન્સ (NBFCs)માં લગભગ 4,500 કરોડ રૂપિયા રોકાણ કર્યું છે. તેમાં દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (DHFL) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ (IL&FS) સામેલ છે.


આ બંનેમાં લગાવેલા પૈસાને તાત્કાલીક પરત મેળવવા મુશ્કેલ છે કારણ કે બંને કંપનીઓ બેન્કરપ્સી રિઝોલ્યૂશન પ્રૉસેસેથી પસાર થઈ રહી છે.