Education Loan from Banks: વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ શિક્ષણની સાથે એજ્યુકેશન લોન (Education Loan) પણ મહત્વનો ભાગ ભજવે છે. એજ્યુકેશન લોન એવા લોકો માટે છે, જેઓ આગળ ઉચ્ચ અભ્યાસ (High Education) મેળવવા ઇચ્છે છે, પરંતુ તેઓ ખર્ચાઓને પહોંચી શકતા નથી. મોટા ભાગે એવા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોન લેવામાં આવે છે, જેઓ વિદેશમાં આગળનું ભણતર (Study in Abroad) પૂર્ણ કરવા માંગે છે. એજ્યુકેશન લોન સામાન્ય રીતે બેંકો દ્વારા આપવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફિનટેક કંપની અથવા નોન-બેંકિંગ નાણાંકીય કંપની (NBFC)ઓ પણ આપે છે. જોકે, બેંકો આ લોન માટે (Education Loan from Banks) સૌથી વધુ વિશ્વાસપાત્ર છે. તેથી અમુક શ્રેષ્ઠ એજ્યુકેશન લોન્સ આપતી બેંકો વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
પંજાબ નેશનલ બેંક- પંજાબ નેશનલ બેંક એજ્યુકેશન લોન લેવા ઇચ્છતા લોકો માટે એક સારો વિકલ્પ હોઇ શકે છે. આ બેંક લોન લેવા ઇચ્છુક લોકોને વાર્ષિક 6.90 ટકાથી 9.55 ટકાના વ્યાજ સાથે લોન ઓફર કરે છે. બેંક લોનની રકમના 1 ટકા પ્રોસેસિંગ ફી સાથે મહત્તમ રૂ. 15 લાખની લોનની રકમ આપે છે. લોનની મુદ્દત 15 વર્ષ સુધીની છે અને કોર્સ પૂર્ણ થયા બાદ 6 મહિનાથી 1 વર્ષ સુધીનો મોરેટોરિયમ પીરિયડ પણ આપે છે. ભારતીય રહેવાસીઓ અને OCIs/PIOs/ વિદેશમાં જન્મેલા વિદ્યાર્થીઓ કે જે ભારતમાં અભ્યાસ કરવા માંગે છે, તેમના ભારતીય માતા-પિતાને લોન આપે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને 1.5 કરોડ રૂપિયા સુધીની લોનની રકમ ઓફર કરે છે. આ લોન પર વ્યાજ દર 6.85 ટકાથી 8.65 ટકા સુધી હોઇ શકે છે. આ બેંક 10,000 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે (જીએસટી શામેલ છે). બેંક મહિલા વિદ્યાર્થીઓને કન્સેશનલ રેટ પર 20 લાખ રૂપિયા સુધીની લોનની રકમ પણ આપે છે. લોનની મુદ્દતની વાત કરીએ તો મુદ્દત 15 વર્ષ સુધીની અને 7.5 લાખ સુધીની કોલેટરલ હોઈ શકે છે. લોન મોરેટોરિયમ સમયગાળો અભ્યાસક્રમ પૂર્ણ થયાના 12 મહિના સુધીનો છે. આપને જણાવી દઇએ કે, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે બીજી લોન પણ મેળવી શકાય છે.
બેંક ઓફ ઇન્ડિયા- જે વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા ઈચ્છે છે, તેઓ 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મેળવી શકે છે, જ્યારે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ અભ્યાસ માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. લોન પર જે વ્યાજ વસૂલવામાં આવે છે તેના સંદર્ભમાં પણ બેંક એકદમ નીચા આંકડાઓ ધરાવે છે. બેંકના વ્યાજ દર 6.85 ટકાથી 9.35 ટકા સુધીની હોઈ શકે છે.
<br />એક્સિ બેંક- એક્સિસ બેંક વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન તરીકે રૂ.75 લાખથી વધુની રકમ ઓફર કરે છે. જેમાં પ્રોસેસિંગ ફી તરીકે ટેક્સ સહિત રૂ.15,000 ચાર્જ કરે છે. બેંક લોન પર 13.70 ટકાથી 15.20 ટકા સુધીનો વ્યાજ દર ધરાવે છે. લોનની મહત્તમ રકમ રૂ.1 કરોડ સુધીની છે અને લોનની મુદ્દતની વાત કરીએ તો મુદ્દત 15 વર્ષ સુધીની છે.
બેંક ઓફ બરોડા- બેંક ઓફ બરોડા અરજદારોને તેમની શૈક્ષણિક લોન પર 6.75 ટકાથી 9.85 ટકાના વ્યાજ દર સાથે 80 લાખ સુધીની લોન ઓફર કરે છે. બેંક પ્રોસેસિંગ ફી પણ વસૂલ કરે છે, જે શૂન્ય હોઈ શકે છે અને લોનની રકમના આધારે રૂ. 10,000 સુધી જઈ શકે છે. લોનની મહત્તમ મુદ્દત 10-15 વર્ષ સુધીની છે. એજ્યુકેશન લોન નર્સરી સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ માટે ઉપલબ્ધ છે. મહિલા વિદ્યાર્થીઓને પણ વ્યાજ દરમાં રાહત મળે છે.
HDFC બેંક એજ્યુકેશન લોન- એચડીએફસી બેંક ભારતમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રૂ.20 લાખની લોન અને વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રૂ.35 લાખ સુધીની લોન કોલેટરલ વગર મળે છે. આ બેંક એજ્યુકેશન લોન પર 9.45 ટકાથી 13.34 ટકા સુધીનો વ્યાજ દર ચાર્જ કરે છે. બેંક લોનની રકમ પર 1.5 ટકા સુધી પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે. લોનની મહત્તમ મુદ્દત 15 વર્ષ સુધીની છે. આ એજ્યુકેશન લોન અંતર્ગત વિદેશમાં 36 દેશોના 950થી વધુ અભ્યાસક્રમો આવરી લે છે.
ટાટા કેપિટલ એજ્યુકેશન લોન- ટાટા કેપિટલ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન તરીકે રૂ. 30 લાખથી વધુની રકમ ઓફર કરે છે. જેમાં પ્રોસેસિંગ ફી તરીકે ટેક્સ સહિત લોનની રકમ પર 2.75 ટકા ચાર્જ કરે છે. ટાટા કેપિટલ લોન પર 10.99 ટકા સુધીનો વ્યાજ દર ધરાવે છે. લોનની મહત્તમ રકમ રૂ. 30 લાખ સુધીની છે અને લોનની મુદ્દતની વાત કરીએ તો મુદ્દત 6 વર્ષ સુધીની છે. તમે 3 ઇએમઆઇ પ્લાન્સ તમારી અનુકુળતા મુજબ પસંદ કરી શકો છો.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા- એજ્યુકેશન લોન લેવા ઇચ્છુક લોકોને આ બેંકમાંથી 8.80 ટકાથી 10.05 ટકાના વ્યાજ દરનો લાભ મળશે. બેંક જરૂરિયાત આધારિત ફાઇનાન્સ પર લોન પણ આપશે. જો કે, આ બેંકમાં ભારતીય વિદ્યાર્થીને પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે બીજી તરફ NRI વિદ્યાર્થીઓ માટે પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. આ લોનની રકમના 0.50 ટકા હોઇ શકે છે. એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે મહત્તમ રકમ પ્રીમિયમ સંસ્થાઓ માટે રૂ. 20 લાખથી રૂ. 30 લાખ છે. લોનની મુદત 15 વર્ષ સુધીની રહેશે (કોર્સ અને મોરેટોરિયમ સમયગાળા પછી).