નવી દિલ્હી: ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. ભારતની મોટાભાગની વસ્તી ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. કોરોના કાળમાં પણ કૃષિના કારણે જ ભારતીય અર્થતંત્ર (Farming in Indian economy)ના શ્વાસ ચાલતા હતા. કૃષિ ક્ષેત્ર બહોળા પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન થાય છે. આ સાથે તે નાના મોટા વ્યવસાયનો પાયો પણ છે. જેથી અહીં પોતાનો ધંધો કરવા માંગતા ખેડૂતો માટે ઓછા રોકાણ અને મોટા નફાના માર્જિનવાળો ધંધાકીય વિકલ્પ (business Idea with low investment) રજૂ કર્યો છે. આ લેખમાં સરગવાની ખેતી સાથે સંકળાયેલા બિઝનેસ (Drumstick Farming & Cultivation Business)ને જાણકારી અપાઈ છે.
ખેતરના શેઢે સરગવો વાવીને 2 લાખની આવકઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના ડીસા વાસણા ગામ ખાતે રહેતા શિવભાઈ પટેલ તેમની ઉંમર માત્ર 26 વર્ષ છે અને તેમને અભ્યાસ બીએસસી કેમેસ્ટ્રી સુધી કર્યો છે.આ યુવક નોકરીની આશા છોડી પોતાની ખેતી કરી રહ્યો છે. તેમણે ખેતરના શેઢાપાળા પર 65 જેટલા છોડ આવ્યા છે અને એક છોડ પર વર્ષમાં બે વાર સરગવાની સિંગ આવે છે. જેમાં એક ઝાડ પરથી 100 કિલ્લો ઉત્પાદન મળે છે. જેમાં બે લાખ રૂપિયાની આવક મેળવી રહ્યો છે. તેને છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખથી વધુની આવક મેળવી છે.
સરગવાનું વૈજ્ઞાનિક નામ Moringa Oleifera છે. તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી અને તેની વધુ પડતી જાળવણી પણ જોઈતી નથી. તે ઓછો સમય લે છે અને નફાકારક પણ છે. ખેતી ખૂબ જ સરળ છે અને જો તમે તેને મોટા પાયે કરવા નથી માંગતા, તો તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ખીલે છે અને તેના ફૂલો માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. જેથી ઠંડા વિસ્તારોમાં તેની ખેતી વધુ હિતાવહ ગણાતી નથી.
રોકાણ અને કમાણીઃ સરગવાના ફાર્મિંગ વ્યવસાયમાં તમે એકવાર નાણાંનું રોકાણ કરીને લાંબા ગાળાની કમાણી કરી શકો છો. એકંદરે તમે દર વર્ષે રૂ. 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. એકવાર વાવ્યા પછી તેને ચાર વર્ષ સુધી વાવવું પડતું નથી. સરગવો ઔષધીય છોડ છે. જેથી આવા છોડની ખેતી સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ સરળ બની ગયું છે. યોગ્ય રીતે ઉગાડવામાં આવેલા સરગવાની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધુ માંગ છે. જેથી વર્તમાન સમયે ખેડૂતોનું ધ્યાન સરગવાની ખેતીના વ્યવસાય પર વધી રહ્યું છે.
જમીનઃ સરગવો સામાન્યત: દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.
સરગવાના ફાયદાઃ સરગવાનો લગભગ દરેક ભાગ ખાવામાં આવે છે. તેના ફૂલો, પાંદડા અને ફળોમાં ખૂબ પોષકતત્વો હોય છે. તમે તેના પાનને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. તેના બીજમાંથી તેલ પણ નીકળે છે. તેમાં પણ ઔષધીય ગુણો હોય છે. સરગવાનું વૃક્ષ પ્રથમ વર્ષ પછી વર્ષમાં બે વાર ઉત્પાદન આપે છે. સામાન્ય રીતે એક વૃક્ષ 10 વર્ષ સુધી સારી ઉપજ આપે છે. તેની મુખ્ય જાતો રોહિત 1, કોઈમ્બતુર 2, PKM 1 અને PKM 2 છે.