આવડત અને ધગશ હોય તો ખેતી કરીને પણ લાખો રૂપિયાની કમાણી કરી શકાય અને ખેતી કરવા માટે જમીન હોવી જ જરૂરી નથી. જો તમે ખાતેદાર ન હોવ અને છતાં ખેતી કરવા ઈચ્છતા હોવ તો નાના એવા એક રૂમમાં પણ તમે ખેતી કરી શકો. આજકાલ લોકો ધાબા પર તો ખેતી કરતા તો થઈ જ ગયા છે. હવે અહીં દર્શાવેલી રીતથી તમે ચાર દીવાલની અંદર પણ ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકશો.
જો તમે નોકરીથી કંટાળી ગયા હોવ અને ફિક્સ સેલેરીમાં તમારું પૂરું ન થતું હોય તો આ વિકલ્પને અપનાવીને સારી એવી કમાણી કરી શો છો. ઓપ્શન એટલે બટન મશરૂમની ખેતી. આ મશરૂમની જ એક જાત છે, જેમાં મિનરલ્સ અને વિટામિન વધારે હોય છે. સાથે બટન મશરુમની ખાસિયત છે કે ઓછી સ્પેસમાં પણ તેની ફાયદાકારક ખેતી કરી શકો છો. પોતાના હેલ્થ બેનેફિટ્સના કારણે મશરૂમની માગ સતત વધી રહી છે. તો જાણી લો તમે પણ ઘરે એક ખાલી રુમમાં કઈ રીતે ઉગાડી શકો છો મશરુમ.
કઈ ઋતુમાં લઈ શકાય ફાલ? - મશરૂમનો ફાલ કોઈપણ ઋતુમાં લઈ શકાય છે. જો કે આના માટે તમારે રૂમનું ટેમ્પરેચર યોગ્ય રીતે સેટ કરવું પડશે. મશરૂમની ખેતી કરવા માટે 16 વર્ગ મીટરના રૂમની જરૂર પડશે. જેને બે વિભાગમાં વિભાજીત કરો. એક વિભાગને વાવણી પૂર્વેની તૈયારી માટે રાખો અને બીજા વિભાગને વાવણી માટે રાખો. વાવણીની પૂર્વ તૈયારી માટેના ખંડનું તાપમાન 25-30 સેલ્સિયસ રાખવું, જ્યારે વાવણી માટેના ખંડનું તાપમાન 23-25 સેલ્સિયસ રાખવું અને ભેજ 75થી 80 ટકાની આસપાસ રહેવો જોઈએ. કાપણી સમયે સામાન્ય પ્રકાશ અને હવાની અવરજવર રહે તેનું ધ્યાન રાખવું.
પૂર્વ તૈયારી: મશરૂમ ઉગાડવા માટે ચોખા અને ઘઉં દાણાને સામાન્ય રીતે બાફી લેવા. બાદમાં તેને એક બાટલીમાં કપાસ વડે બંધ કરી દો અને ફૂગનું કલ્ચર ( જેને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ કે યૂનિવર્સિટીમાંથી મેળવી શકો) દાખલ કરીને 15 દિવસ સુધી તેને સામાન્ય તાપમાનમાં રાખવું. 15 દિવસ બાદ મશરૂમની કોથળીઓ તૈયાર કરવાની રહે છે. મશરૂમની કોથળી કઈ રીતે તૈયાર કરવી તે આગળ નીચે જાણો.
મશરૂમની કોથળીઓ તૈયાર કરવી: મશરૂમની કોથળી તૈયાર કરવા માટે થ્રેશરમાંથી કાઢ્યાં હોય તેવાં ઘઉંનાં ડોડા, શેરડી, મકાઈના ડોડા, બગાસી અને ચોખાની જરૂર પડશે. આ તમામ વસ્તુઓના 5cmના કટકા કરો અને 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખો, બાદમાં એક કલાક સુધીમાં પાણીમાં તેને ઉકાળો અને 65 ટકા ભેજ રહે તે રીતે સૂકવી દો. બંને તરફથી ખુલ્લી હોય તેવી ૩૫ સે.મી. x ૫૦ સે.મી.ની પોલિથિનની કોથળીઓ લો. કોથળીનો એક છેડો બાંધી લો અને કોથળીની વચ્ચે 1 સેમીના વ્યાસનાં બે કાણાં પાડવાં. હવે આ તૈયાર કરેલ મકાઈ, ઘઉં અને ચોખાના ડોડાના કટકા કોથળીઓમાં ભરીદો અને તેનું ઉપરનું મોઢું પણ બંધ કરી દેવું. 15-20 દિવસ બાદ આ કોથળીને વાવણીવાળા ખંડમાં મૂકી શકો.
મશરૂમની કાપણી: ઉલ્લેખનીય છે કે કાપણી પહેલાં વારંવાર પોલિથિનની કોથળી પર પાણી છાંટીને ભેજનું પ્રમાણ જાળવવું બહુ જરૂરી છે. કોથળી ખોલવાના ત્રીજા દિવસે જ મશરૂમ દેખાવા લાગશે અને તેને પુખ્ત થતાં બીજા ત્રણ દિવસ લાગશે. મશરૂમ પુષ્ત થઈ જાય પછી પાણી છાંટતાં પહેલાં મશરૂમને દરરોજ અથવા એકાંતરે કાપી લેવાં. બીજી વખતની કાપણી બાદ કોથળીઓને ઘસીને સરખી રીતે સાફ કરવાથી ત્રીજો ફાલ પણ મેળવી શકાય છે. જો યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો 16 વર્ગ મીટરના એક રૂમમાંથી 3થી 3.50 લાખ રૂપિયાના મશરૂમ ઉત્પાદન મેળવી શકો.
આ રીતે પાથરો કમ્પોસ્ટ: આ ઉપરાંત તમને મશરુમ માટે બેડ તૈયાર કરીને પણ કમાણી કરી શકો છો. આ માટે પહેલા નીચે છાણિયું ખાતર અને માટીને બરોબર મિક્સ કરી અંદાજિત ડોઢ ઇંચ મોટું સ્તર પાથરો. તેના ઉપર કમ્પોસ્ટનું બેથી ત્રણ ઇંચ મોટુ સ્તર બનાવો. હવે તેના પર મશરુમના બીજ કે કલ્ચરને એકસરખી માત્રામાં ફેલાવી દો. ત્યારબાદ તેની ઉપર એક બે ઇંચ મોટું કંપોસ્ટનું સ્તર પાથરી દો. રુમમાં ભેજનું વાતાવરણ બનાવી રાખવા માટે સ્પ્રેથી મશરુમ પર દિવસમાં 2-3 વાર છંટકાવ કરો. રુમનુ તાપમાન 20 ડિગ્રી મેન્ટેઇન કરો. લગભગ તમામ કૃષિ યુનિવર્સિટીમાં મશરુમની ખેતી અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમે મોટાપાયે ખેતી કરવા માગો છો તો મહત્વનુ રહેશે કે પહેલા તમે યોગ્ય ટ્રેનિંગ લઈ લો.
બેડ પાથરવા આ રીતે કમ્પોસ્ટ તૈયાર કરો: બેડ પાથરીને રુમમાં મશરુમની ખેતી માટે પહેલા તમારે કમ્પોસ્ટ તૈયાર કરવું પડે છે. આ માટે અનાજના ઘાસનો યુઝ કરી શકાય છે. સૌથી પહેલા આ ઘાસને પલાળી દો અને એક દિવસ બાદ તેમા ડીએપી, યૂરિયા, પોટાશ તથા ઘઉંની કુશકી, જિપ્સમ, કેલ્શિયમ અને કાર્બો ફ્યૂરાડન મિક્ષ કરીને સડવા માટે છોડી દો. આ મિશ્રણને અંદાજિત 30 દિવસમાં સુધી સડવા દો. દર 4થી 5 દિવસ પર તેને ફેરવતા રહો અને 15 દિવસ થવા પર તેમા લીમડાના પાંદડા અને ગોળનો પાક અથવા શીરો મિક્ષ કરી દો. એક મહિનો વિતી ગયા બાદ એકવાર ફરીથી બાવિસ્ટીન અને ફાર્મોલીન નાખીને 6 કલાક માટે તાલપત્રી ઢાકીને કમ્પોસ્ટને રાખી દો. બસ હવે તમારું કમ્પોસ્ટ તૈયાર છે.