નવી દિલ્હીઃ આજે દરેક વ્યક્તિને પોતાનો વેપાર કરવો છે પરંતુ પોતે સફળ જશે કે નહીં અને મોટાપાયે બિઝનેસ કરવા માટે ફંડ નથી કે પછી નાનાપાયે શરું કરીએ તો શું આગળ વધી શકાય કે નહીં? આવા અનેક પ્રશ્નોમાં જ અટવાઈને રહી જાય છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જેઓ યા હોમ કરીને પડો આગળ ફતેહ છે તેવા એટીટ્યુડ સાથે બસ એક જ લક્ષ્ય સાથે કે બિઝનેસ કરવો છો ભલે પછી તે નાનો તો નાનો પણ મારો પોતાનો ધંધો હોય. જોવામાં પણ આવ્યું છે કે સફળતા તેવા જ લોકોને વરતી હોય છે. આજે આપણે આવા જ એક બિઝનેસ અને તેને સફળતા પૂર્વક કરતાં લોકોની વાત કરવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસ એટલે પશુપાલનનો બિઝનેસ, જેના મારફત તમે લાખોની કમાણી કરી શકો છો અને દિવસેને દિવસે દૂધની વધતી માગ તમને સારી આવક મેળવવાનો વિકલ્પ આપતી રહે છે.
પશુપાલનના વ્યવસાય અંગે સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે ગામડામાં રહેતા અને ઓછું ભણેલા લોકો આ વ્યવસાય કરે છે. બીજુ એક કે જો નાના પાયે કરવામાં આવે તો આ વ્યવસાયમાં કંઈ ખાસ આવક થતી નથી. જ્યારે મોટાપાયે કરવા માટે તમારે ખાસ્સુ રોકાણ કરવું પડે છે. જોકે આ તમામ માન્યતાને દૂર કરતાં કેટલાક ઉદાહરણો આપણા જ ગુજરાતનામાં છે જેમાં ડબલ ગ્રેજ્યુઅટ મહિલાથી લઈને એન્જિનિયરિંગ કપલ અને એક અભણ મહિલા સહિતના તમામ લોકોએ આ વ્યવસાયને અપનાવ્યો છે અને આજે ખૂબ જ સફળ બન્યા છે.
આમ પણ ગુજરાત દેશભરામાં શ્વેતક્રાંતિની શરુઆતનું અગ્રેસર રહ્યું છે. તેવામાં અમુલ નામથી દુનિયાભરમાં વિખ્યાત બનેલા આણંદના જ એક શિક્ષિકા જેઓ ડબલ ગ્રેજ્યુઅટ હતા તેમણે પોતાની નોકરી છડીને પશુપલાનના વ્યવસાયને સફળતાપૂર્વક અપનાવ્યો છે. છેલ્લા 6 વર્ષથી તેઓ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને આજે દૂધના વેપારમાં મહિને લાખોની કમાણી કરે છે. આણંદના ખંભોળજના રહેવાસી આ મહિલાનું નામ પારુલબેન છે અને ભણેલા-ગણેલા હોવા છતાં તેઓ આજે પોતાના ગાયના તબેલાનું દરેક કામ ખૂબ જ સહજતાથી કરી લે છે. પારુલબેને BA અને પછી LLBનો અબ્યાસ કર્યો છે. જે બાદ તમણે શિક્ષકની નોકરી કરી હતી.
આવા એકલ દોકલ દાખલા નથી આવી જ રીતે અમદાવાદનું એક એન્જિનિયરિંગ કપલ જેમની તો નોકરીનો પગાર જ લાખો રુપિયામાં હતો તેઓ પણ નોકરી છોડીને પશુપાલન તરફ વળ્યા છે અને આજે લાખોમાં કમાણી કરી રહ્યા છે. મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા શ્રીકાંત માલદે એક સોફ્ટવેર એન્જિનિયર છે, જ્યારે તેમના પત્ની ચાર્મી માલદે કેમિકલ એન્જિનિયર. શ્રીકાંત એક કંપનીમં તો ચાર્મી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં હતા. જોકે તેમણે પોતાના બોસ બનવા માટે નોકરી છોડી અને પશુપાલન તરફ આગળ વધ્યા હતા.
4 ગાય અને A2 દૂધથી પોતાનો વ્યવસાય શરું કરનાર કપલે તો ગાય આધારીત 350 જેટલી સ્વાસ્થ્ય આધારીત પ્રોડક્ટ સાથે ગૌનીતિ ઓર્ગેનિક નામથી પોતાની કંપની જ બનાવી દીધી છે. આજે તેમની પાસે 100 ગીર ગાય છે અને 20 કર્મચારીઓની ટીમ છે. આ સાથે તેમણે ફાર્મ ટુ હોમનું બિઝનેસ મોડેલ સુનિશ્ચિત કર્યું છે. તેઓ ગ્રાહકો સુધી દૂધ અને દૂધની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પહોંચાડે છે.
આ વાત તો થઈ ભણેલા ગણેલા લોકોની પરંતુ આ વ્યવસાયમાં તો કેટલાક અભણ લોકોએ પણ પોતાનું કદ વધાર્યું છે. આવા જ એક મહિલા એટલે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સાગરોસણ ગામના નીતાબેન સામાન્ય ભણેલા છે પરંતુ બિઝનેસની વાત આવે ત્યારે તેમનું ગણતર ભલભલાને પાછળ પાડે છે. માત્ર 8-10 ગાય-ભેંસથી શરુઆત કરીને તેમની પાસે આજે 120થી વધુ પશુ છે અને દરરોજ 800 લીટર જેટલું દૂધ ડેરીમાં જમા કરાવે છે. આ મારફત તેઓ મહિને રુપિયા 8-9 લાખની આવક મેળવે છે. જે કોઈ ટોચના IAS-IPS બાબુના પગાર કરતાં પણ વધારે છે.
સરકારી યોજનાનો લાભ: આ વ્યવસાય કરવા માટે તમને રાજ્ય સરકાર તરફથી અનેક જુદી જુદી સહાય પણ મળે છે. જેમાં સરકાર પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનામાં લાભ લેવાની મુખ્ય પાત્રતા ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ અને તેની અરજી ઓનલાઈન કરી હોવી જોઈએ. સરકાર દ્વારા પશુઓની ખરીદી, ખાણદાણ અને ઘાસચારાની ખરીદી, દુધાળા પશુઓને રાખવા માટેના એકમની સ્થાપના માટે 12 ટકા વ્યાજ સહાય, કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય સહિતની અનેક યોજનાઓ છે. જેના માટે https://ikhedut.gujarat.gov.in/ પરથી એપ્લાય કરી શકો છો.
ગાય ભેંસના પાલનથી કમાણી: તમે ગાય-ભેંસ પાળીને કોઈ ડેરીને દૂધ વેચીને કમાણી કરી શકો છો. તેમજ જો થોડી વધુ મહેનત કરીને તમારી પ્રોડક્ટમાં વેલ્યુએડિશન કરો એટલે કે દૂધ મેળવ્યા બાદ દૂધની પ્રોડક્ટ પનીર, માખણ અને ઘી બનાવીને વેચો છો તો તેનાથી વધુ કમાણી થાય છે. આજકાલ લોકો હેલ્થ તરફ વધુ ધ્યાન આપે છે જો તેવામાં તમારી પ્રોડક્ટ કેમિકલ ફ્રી હોય અને તમે યોગ્ય માર્કેટિંગ કરી શકો તો ફાર્મ ટુ ટેબલના કોન્સેપ્ટ હેઠળ ખૂબ જ તગડી કમાણી થાય છે કારણ કે આ મોડેલમાં તમામ વચ્ચેની ચેઇન નીકળી જાય છે અને સીધો નફો તમને જ મળે છે. સામાન્ય રીતે તમે 1-2 ગાય કે ભેંસથી પણ પોતાના વ્યવસાયની શરુઆત કરી શકો છો અને પછી તેને ધીરે ધીરે આગળ વધારી શકો છો.
ગાય ભેંસના પાલનથી કમાણી: તમે ગાય-ભેંસ પાળીને કોઈ ડેરીને દૂધ વેચીને કમાણી કરી શકો છો. તેમજ જો થોડી વધુ મહેનત કરીને તમારી પ્રોડક્ટમાં વેલ્યુએડિશન કરો એટલે કે દૂધ મેળવ્યા બાદ દૂધની પ્રોડક્ટ પનીર, માખણ અને ઘી બનાવીને વેચો છો તો તેનાથી વધુ કમાણી થાય છે. આજકાલ લોકો હેલ્થ તરફ વધુ ધ્યાન આપે છે જો તેવામાં તમારી પ્રોડક્ટ કેમિકલ ફ્રી હોય અને તમે યોગ્ય માર્કેટિંગ કરી શકો તો ફાર્મ ટુ ટેબલના કોન્સેપ્ટ હેઠળ ખૂબ જ તગડી કમાણી થાય છે કારણ કે આ મોડેલમાં તમામ વચ્ચેની ચેઇન નીકળી જાય છે અને સીધો નફો તમને જ મળે છે. સામાન્ય રીતે તમે 1-2 ગાય કે ભેંસથી પણ પોતાના વ્યવસાયની શરુઆત કરી શકો છો અને પછી તેને ધીરે ધીરે આગળ વધારી શકો છો.