ઓટોમોબાઇલ સેક્ટરમાં ગુડગાંવ ખાતે બિગ બોય ટોય્સ નામની એક સ્ટાર્ટઅપ કંપની છે. તમે કદાચ તેનું નામ સાંભળ્યું હશે અને જો ન સાંભળ્યું હોય તો પહેલીવાર સાંભળીને તમને આ કોઈ રમકડાંની કંપની હોય તેવું લાગી શકે છે. પરંતુ હકીકતમાં એવું નથી. વર્ષ 2009માં સ્થપાયેલી આ કંપની રમકડાં નહીં, પરંતુ મોટી લક્ઝરી ગાડીઓની કંપની છે. કંપનીના સ્થાપક અને સીઈઓ જતીન આહુજા છે. 70 હજાર રૂપિયા ઉધાર લઈ તેમાંથી કરોડોના ટર્નઓવર સુધી પહોંચવાની જતિનની સફર ઘણી રસપ્રદ છે. હાલમાં જ બિગ બોય ટોય્ઝે અમદાવાદમાં પણ શો રુમ ખોલ્યો છે. (Photos: તમામ તસવીર BBT ફેસબુક પેજ)
ખરેખર આપણા દેશ ભારતમાં સેકન્ડ હેન્ડ કાર એટલે કે વપરાયેલી કાર વિશે લોકોમાં કોઈ સારી ધારણા કે માન્યતા નથી. જો કોઈ લક્ઝરી કાર ખરીદ્યાના એક મહિનાની અંદર પણ વેચે છે, તો તેને સેકન્ડ હેન્ડ કાર કહેવામાં આવે છે. આ કાર એકદમ નવી હોય અને 200-500 કિમીથી પણ વધારે ચલાવી ન હોય તોય તે લોકોની માનસિકતામાં સેકન્ડ હેન્ડ કાર એટલે સેકન્ડ હેન્ડ કાર. જતીન આ માનસિકતા બદલવા માંગતા હતા અને આમાં તેમને સફળતા પણ મળી. તેથી જ ક્રિકેટથી લઈને બોલિવૂડ સુધીની હસ્તીઓ તેમના ગ્રાહક છે.
લોકડાઉનમાં પણ કરોડોની કિંમતની કાર વેચીઃ અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે જતિનની કંપની BBT એટલે કે Big Boy Toys પ્રી-ઑન્ડ કાર ખરીદે છે અને વેચે છે. ગુરુગ્રામ સ્થિત જતિનની કંપની બિગ બોય ટોયઝ યુઝ્ડ કારને લક્ઝરી કારમાં કન્વર્ટ કરવામાં માહિર છે અને આ દ્વારા તે પોતાના ગ્રાહકોના દિલ જીતી લે છે. જ્યારે એપ્રિલ 2020માં કોરોના રોગચાળાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને તે દરમિયાન નવી કારનું વેચાણ લગભગ શૂન્ય પર આવી ગયું હતું, ત્યારે BBTએ લગભગ 13 કરોડ રૂપિયાની કિંમતની 12 લક્ઝરી કાર વેચી હતી. BBTનો મુખ્ય શોરૂમ ગુરુગ્રામમાં છે, જ્યારે કંપનીની મુંબઈ અને હૈદરાબાદમાં પણ શાખાઓ છે.
આ આઈડિયા હું શાળામાં હતો ત્યારે આવ્યો હતોઃ યોર સ્ટોરીને આપેલા ઈન્ટરવ્યુમાં જતીન આહુજાએ પોતાની જર્ની વિશે વિગતવાર જણાવ્યું છે. તેમણે કહ્યું પોતે પુખ્ત થયો ત્યાં સુધીમાં પૈસા કમાવવામાં નિષ્ણાંત બની ગયા હતા અને માત્ર 23 વર્ષની ઉંમરે તેણે BBT કંપની ખોલી હતી. જતિનનો ઉદ્દેશ્ય લક્ઝરી કારને બને તેટલા લોકો માટે સુલભ બનાવવાનો છે. તેથી તેમની કંપની સેકન્ડ હેન્ડ કારને લક્ઝરી કારમાં ફેરવે છે અને તેને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવે છે.
પિતા પાસેથી 70 હજાર ઉછીના લઈને શરૂઆત કરી હતીઃ જતિનના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી ચૂક્યા છે, જ્યારે જતિને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. જતિને તેના પિતા પાસેથી 70,000 રૂપિયાની લોન લઈને ફિયાટ પાલિયો કંપની સાથે તેની સફર શરૂ કરી અને 2009માં દિલ્હીમાં એક નાનો સ્ટુડિયો ખોલ્યો. હવે તેમની પાસે ગુરુગ્રામ, હૈદરાબાદ, મુંબઈ અને અમદાવાદમાં સ્ટોર છે અને લગભગ 150 લોકોની ટીમ કામ કરી રહી છે.
ફેન્સી મોબાઈલ નંબર વેચીને 24 લાખ રૂપિયા ભેગા કર્યા: વર્ષ 2005માં તેણે મુંબઈના પૂરમાં નુકસાન પામેલી મર્સિડીઝનું સમારકામ કરાવ્યું અને તેને 25 લાખમાં વેચી, ત્યારપછી વર્ષ 2006માં જ્યારે ફેન્સી મોબાઈલ નંબરની માંગ વધી, ત્યારે જતિને આમાં પણ હાથ અજમાવ્યો. જતિને 99999 સિરીઝના 1200 સિમ કાર્ડ ખરીદ્યા અને તેમાંથી લગભગ 24 લાખનો બિઝનેસ કર્યો. 2007 સુધીમાં તેમની કમાણી કરોડોમાં પહોંચી ગઈ હતી. આ પછી જતિન પ્રિ-ઓન્ડ લક્ઝરી કારના વ્યવસાયમાં પડી ગયા.
6000 જેટલા લોકો સુધી પહોંચાડી છે કારઃ વર્ષ 2009 પછી જતિનનો આઈડિયા એટલો આગળ વધ્યો કે તેમણે પાછું વળીને જોયું જ નહીં. અહેવાલો અનુસાર, તેમની કંપનીએ દેશભરના અલગ-અલગ શહેરોમાં 6,000થી વધુ લોકોને પોતાની કાર પહોંચાડી છે. BMWs સાથે BBTમાં લેમ્બોર્ગિની ગેલાર્ડો, એવેન્ટાડોર, બેન્ટલી જીટી, રેન્જ રોવર્સ જેવી કારોની પણ માંગ છે. આ ઉપરાંત કંપની અન્ય લક્ઝરી બ્રાન્ડ્સ રોલ્સ રોયસ, ફરારી, માસેરાતી, એસ્ટન માર્ટિનની પ્રી-ઓન્ડ કાર પણ વેચે છે. જતિનની કંપની દેશમાં પ્રી-ઓન્ડ લક્ઝરી કારની સૌથી મોટી ડીલર હોવાનો દાવો કરે છે.