નવી દિલ્હીઃ જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને 3 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. આજે ખેતીને લગતા બિઝનેસ આઇડિયા અનેક લોકોને આકર્ષી રહ્યા છે. ભણેલા ગણેલા લોકો પણ ખેતી તરફ વળી રહ્યા છે. જોકે ખેતીથી આવક માટે પરંપરાગત ખેતીને છોડીને તમારે કોઈ નવા પ્રયોગ કરવાની જરુર છે. આ પ્રકારે ઓછી જગ્યામાં પણ તમે ખૂબ જ મોટી કમાણી કરી શકો છો. તેવામાં આપણે આજે એવી વસ્તુની ખેતી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગ વગર કોઈપણ પ્રકારની રસોઈ અશક્ય સમાન છે. દરેક ઘરથી લઈને રેસ્ટોરાં અને નાનકડી ફૂડ લારી પર પણ આ વસ્તુ મળી જ જાય છે. આ વસ્તુ એટલે હિંગ જેનો ભારતમાં ખૂબ જ છૂટથી ઉપયોગ થાય છે.
હિંગને રસોઈની રાણી કહેવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની હિંગ વિદેશથી આયાત કરવામાં આવે છે. આ માટે ભારત દરવર્ષે હજારો કરોડોનું વિદેશી હુંડિયામણ ખર્ચી નાખે છે. તેવામાં 2020માં પહેલીવાર ભારતમાં હિંગની ખેતીની શરુઆત કરવામાં આવી હતી. હિંગનો ઉપયોગ ખાવા સાથે દુનિયામાં અનેક જગ્યાએ દવા તરીકે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ પેટની અનેક સમસ્યા માટે દવા તરીકે હિંગનો ઉપયોગ થાય છે. જો તમે આજના સમયમાં ખેતી દ્વારા તગડી કમાણી કરવા માગો છો તો હિંગ એક એવો ઓપ્શન છે જે તમને દર મહિને સરેરાશ લાખોમાં કમાણી આપી શકે છે.
અત્યાર સુધી ભારતમાં હિંગની વિદેશમાંથી આયાત થતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. CSIR દ્વારા 2020માં પ્રાયોગીક ધોરણે હિમાચલ પ્રદેશમાં હિંગની ખેતીની શરુઆત કરવામાં આવી હતી. ખરેખર, હવે હિંગની ખેતી ભારતમાં શરૂ થઈ છે. આવી સ્થિતિમાં, તમે હીંગની ખેતીનો વ્યવસાય શરૂ કરીને સારો નફો મેળવી શકો છો.
ભારતમાં હિંગની ખેતીઃ હિંગની કિંમત પણ તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેના પર નિર્ભર કરે છે. ભારતમાં શુદ્ધ હિંગની કિંમત 35 થી 40 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. તેથી, CSIR વૈજ્ઞાનિકો માને છે કે હિંગની ખેતીથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. હિંગને ઈરાનમાં ફૂડ્સ ઓફ ગોડ્સ કહેવામાં આવી છે. આ માટે જ હિમાચલ પ્રદેશના લાહૌલ ઘાટી પ્રદેશમાં ખેડૂતોએ હિંગની ખેતી શરુ કરી હતી. તેમને હિમાલયન બાયોરિસોર્સ ટેક્નોલોજીથી મદદ મળી જાય છે.
જાણો કેવી રીતે હિંગની ખેતી કરવામાં આવે છે? હિંગના બીજ પહેલા ગ્રીનહાઉસમાં 2-2 ફૂટના અંતરેથી વાવવામાં આવે છે. જ્યારે રોપાઓ બહાર આવે છે, ત્યારે તેને ખેતરમાં 5-5 ફૂટના અંતરે રોપવામાં આવે છે. હિંગની ખેતીમાં સૌથી વધુ ધ્યાન ભેજનું રાખવું પડે છે. માટે રોપા રોપતા સમયે અને ત્યારબાદ હાથથી જમીનની ભેજ જોયા પછી જ તેમાં પાણીનો છંટકાવ કરી શકાય છે, વધારે પાણી છોડને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત છોડને સીધુ પાણી આપવાની જગ્યાએ ભીના ઘાસ વાટે પણ પાણી આપી શકાય છે. આ રીતે પ્રમાણસર ભેજ જળવાઈ રહે છે. એક ખાસ વાત એ છે કે હિંગના છોડને વૃક્ષ બનતા 5 વર્ષ લાગે છે. ત્યારબાદ તેના ગુંદને કાઢીને તેમાંથી હિંગ બનાવવામાં આવે છે.
કેવી જમીનમાં હિંગની ખેતી થઈ શકે? હિંગની ખેતી માટે રેતાળ અને ચીકણી જમીન માફક આવે છે. ખાસ તો સૂર્યનો સીધો તડકો હિંગના પાકને જોઈએ છે. સાથે તાપમાન 30 ડીગ્રીથી વધુ ન થવું જોઈએ. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ ન હોવું જોઈએ. તેવામાં ગુજરાતના કેટલાક ભાગો જ્યાં જમીન અને તાપમાન શિયાળા દરમિયા માફક રહે છે ત્યાં આ પ્રકારે ખેતી થઈ શકે છે. જોકે આના માટે પહેલા કૃષિ યુનિવર્સિટી અને સરકારી ખેતીવાડી વિભાગના નિષ્ણાતો પાસેથી ચોક્કસ માહિતી અને માર્ગદર્શન લેવું ખૂબ જ જરુરી છે.