કહેવાય છે કે મહેનત કરે તેને સફળતા અચૂક મળે છે જોકે એ પણ એટલું મહત્વનું છે કે વ્યક્તિ પોતાને રુચિ હોય તેવી બાબતમાં જો મહેનત કરે તો સફળ થાય છે. નોકરી હોય કે બિઝનેસ જો તમને રુચિ નહીં હોય તો થોડા સમય પછી કંટાળી જશો અને ધાર્યું પરિણામ નહીં મેળવી શકો. આજે આપણે એવા જ એક સાહસ અને વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમણે પોતાના ઘરને જ ખેતર બનાવી દીધું અને આજે વર્ષે લાખોમાં કમાણી કરે છે.
વાત છે ઉત્તરપ્રદેશના બરેલી શહેરમાં રહેતા રામવીર સિંહની, જેમણે પોતાના મનનું સાંભળ્યું અને ખૂબ જ મોટા પગારવાળી નોકરી છોડીને ઘરમાં જ ખેતી કરવાનું સાહસ આદર્યું. બરેલીમાં રહેતા રામવીર સિંહને કુદરત અને હરિયાળી સાથે ખૂબ જ પ્રેમ, પરંતુ ઘરખર્ચ અને જીવન વ્યાપન માટે તેઓ નોકરી કરતાં હતા. જોકે એક દિવસ તેમને એક નવા પ્રકારની ખેતી વિશે જાણકારી મળી.
પહેલાથી જ પ્રકૃતિ વચ્ચે રહેવાનું ગમતું હોવાથી તેમણે તરત જ આ ખેતી વિશે વધુ માહિતી ભેગી કરી અને પછી નક્કી કર્યું કે પોતે નોકરી છોડી દેશે અને આ ખેતીને આવકનું સાધન બનાવશે. જે બાદ રામવીરસિંહે પોતાના 3 માળના ઘરના ટેરેસ, બાલ્કની તમામ જગ્યાને ખેતરમાં ફેરવી દીધી. આજે તેમના ઘરમાં 10 હજારથી વધુ છોડ રોપવામાં આવ્યા છે.
આ સ્થિતિમાં તેઓ જે ઓર્ગેનિક શાકભાજી કેમિકલયુક્ત ખાતર, જંતુનાશક દવાઓ વગર ઉગાડી રહ્યા છે તેના વેચાણથી ખૂબ જ મોટી કમાણી કરી રહ્યા છે. રામવીર સિંહે પોતાના ઘરમાં ખેતી કરવા માટે હાઈડ્રોપોનિક ખેત પદ્ધતિની મદદ લીધી છે. આ રીતે તેઓ માટી વગર જ સાવ ઓછા પાણીમાં આ ખેતી કરી રહ્યા છે. તમને જમાવી દઈએ કે માટી વગર માત્ર પાણીથી થતી આ ખેતીમાં હકીકતમાં પાણીનો ઉપયોગ પરંપરાગત ખેતી કરતાં 90 ટકા જેટલો ઓછો થાય છે.
હાઈડ્રોપોનિક ખેતીનો વિચાર તેમને ત્યારે આવ્યો જ્યારે તેઓ દુબઈ ગયા હતા અહીં આ પ્રકારની ખેતી વિશે જાણીને તેમણે ભારત આવીને મુંબઈ કોલકતા સહિતના જુદા જુદા શહેરોમાં તેના વિશે જાણ્યું અને માહિતી મેળવી સાથે ટ્રેનિંગ પણ લીધી હતી. જે બાદ ત્રણ વર્ષ પહેલા તેમણે પોતાના ઘરની અગાસી પર આ પ્રકારની ખેતીનો પ્રયોગ શરું કર્યો.
રામવીર સિંહ પોતાના ઘરની ખેતીના ઉત્પાદનો વેચવા સિવાય લોકોને હાઈડ્રોપોનિક ફાર્મિંગ અંગે પણ ટ્રેનિંગ આપે છે. આ ઉપરાતં લોકોના કહેવા પર તેઓ તેમના ઘરે પણ હાઈડ્રોપોનિક ફાર્મિંગનું સેટઅપ લગાવવા જાય છે. તેમણે તૈયાર કરેલ ડિઝાઈનમાં તમામ પાઈક એકબીજા સાથે કનેક્ટ છે અને છેલ્લે ફરી ટાંકીમાં આવે છે. જેથી એક તરફથી પાણી જ્યારે મોટર મારફત છોડવામાં આવે ત્યારે ગોળ ફરીને પાણી ફરી ટાંકીમાં જ આવે છે.