આજકાલ જ્યાં જુઓ ત્યાં સમાચારોમાં ડુંગળીના ગગડી ગયેલા ભાવની મોકાણ જોવા મળે છે. ખેડૂતોને તેની મહેનતના ફળ સ્વરુપે પ્રતિ કિલોએ 2થી 5 રુપિયા જેટલી જ રકમ મળે છે. જોકે બીજી તરફ એવી ઘણી ઈન્ડસ્ટ્રીઝ છે જ્યાં અત્યારે પણ ડુંગળીની ખૂબ જ માગ છે અને તેને પહોંચી વળવા માટે ડુંગળીની પેસ્ટથી લઈને ડુંગળીનો પાઉડર અને ડિહાઇડ્રેડ ડુંગળી સુધીની પ્રોડક્ટ્સનું માર્કેટ ભરપૂર છે.
ડુંગળીનો પાઉડર આજે રેડી ટુ ઈટ ફૂડ ઇન્ડસ્ટ્રી, પિઝ્ઝા પાર્લર સહિતની જગ્યાઓએ ઉપરાંત ઘરમાં પણ ક્વિક રેસેપી જેવી કે સલાડ બનાવવા માટે ભરપૂર ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે ભારતમાં હજુ પણ આ બાબતે ઓછી જાગૃકતા છે અને લોકો ડિહાઈડ્રેટેડ ડુંગળી અથવા તેના પાઉડરનો ઉપયોગ કરવાની જગ્યાએ તાજી ડુંગળીનો ઉપયોગ વધુ પસંદ કરે છે.
જોકે તાજી ડુંગળીના ઉપયોગમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં ક્વોલિટીની સાથે સાથે તેના માટે કરવો પડતો ખર્ચ તમારા કાબૂમાં રહેતો નથી. ક્યારેક અતિશય વધારે રુપિયા તમારે આપવા પડે છે તો ક્યારેક સાવ મફતના ભાવે તમને તે વસ્તુ મળી જાય છે. જ્યારે પાઉડર અને ડિહાઈડ્રેટેડ ડુંગળી પ્રમાણમાં ઓછી જોઈએ છે અને તેની કિંમત નિશ્ચિત હોય છે.
ડુંગળીનો પાઉડર બનાવવાનો બિઝનેસ શરું કરવા માટે તમારી પાસે 600 સ્કવેર ફૂટ કુલ જગ્યા જોઈએ. જેમાં તમે ત્રણ ભાગ પાડી શકો છો. એકમાં કાચો માલ રાખો, બીજા ભાગમાં ડિહાઇડ્રેટર મશીન અને ગ્રાઈન્ડર અને ત્રીજા ભાગમાં તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટને રાખી શકો છો. આ ઉપરાંત મશીનરી માટે તમારે કુલ ખર્ચ 3-4 લાખ રુપિયા આવી શકે છે. તેમજ કાચા માલ માટે 1 લાખ અને વર્કિંગ કેપિટલ તરીકે 1થી દોઢ લાખ, આમ કુલ મળીને 6 લાખની આસપાસમાં તમે આ બિઝનેસ શરુ કરી શકો છો. જોકે આના માટે તમને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા મદદ મળી શકે છે.
મહત્વનું છે કે કોઈપણ વસ્તુને ડિહાઇડ્રેડ કરવાથી તેમાં રહેલી ન્યુટ્રીશન વેલ્યુ વધી જતી હોય છે. એક કિલો ડિહાડ્રેટેડ ડુંગળી 8 કિલો સુકી ડુંગળી બરાબર હોય છે. એટલે કે તેના ઓછા વપરાશમાં પણ તમને સ્વાદ અને સુગંધ મળી રહે છે. અંતમાં જણાવી દઈએ કે રશિયા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશો ભારતમાં જ ડિહાઈડ્રેટ થયેલી ડુંગળી ખાય છે, પણ ભારતમાં જાગૃતિના અભાવે ડિહાઇડ્રેટેડ ડુંગળીનો વપરાશ ખૂબ જ ઓછો છે.