અમરેલી: અમરેલી જિલ્લો એ મુખ્યત્વે કૃષિ પર આધારિત જિલ્લો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસ સહિતના તેલીબિયાં પાક સાથે અનાજ, ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. અમરેલી જિલ્લાના શેડુભારના સરપંચ અને ખેડૂત સુરેશ કુંભાણી ખેડૂતો માટે પ્રેરણારુપ બન્યા છે. આ અગાઉ રાસાયણિક ખેતી કરતા સુરેશભાઈએ જાતે જ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો વિચાર કર્યો અને પાંચેક વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી.
આ ઉત્પાદન તેની ગુણવત્તાને જોતા સુરેશભાઈએ કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. જણાવી દઈએ કે, તેમણે એક હેક્ટર એટલે કે, આશરે છ વિઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો હતો. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા આ બગીચામાં કોઈ પણ પ્રકારનું પ્રાકૃતિક કે રાસાયણિક ખાતર ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનું જ ખાતર તરીકે ઉપયોગ કરીને સુરેશભાઈ અનોખો ચીલો ચાતરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીના આ બગીચામાં સુરેશભાઈએ સીતાફળના 250 છોડ, જામફળના 250 છોડ, લીંબુડીના 200 છોડ, ચીકુના 10 છોડ , કેળના 100 છોડ, સફરજનના 125 છોડ, પપૈયાના 200 છોડ, રીંગણીના 1,000 છોડ, ટામેટાના 1,000 છોડ, ગલકા, કારેલા અને દૂધીના 500-500 છોડ, આંબાના 20 છોડ, રાવણાના 10 છોડ ઉપરાંત સરગવા, હળદર, શક્કરિયા, શેરડી અને ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.