દેશ અને દુનિયામાં કોરોનાના બાદથી જ ઔષધીય છોડની માંગમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે દેશના ઘણા ભાગોમાં ઔષધીય છોડની ખેતી પણ શરૂ થઈ ગઈ છે. મોસમી પાકોની તુલનામાં ઔષધીય છોડ ખેડૂતને ઓછા ખર્ચે વધુ લાભ અપાવી રહ્યાં છે. ત્યારે આજે અમે આવાં જ ઔષધિય ગુણો ધરાવતા કરી પત્તા એટલે કે મીઠા લીમડાની ખેતી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.
દેશમાં ઔષધીય છોડની માંગ વધવા પર કેન્દ્ર સરકારે એક વર્ષમાં 75 હજાર હેક્ટરમાં તેની ખેતી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારી અહેવાલ અનુસાર, ગત અઢી વર્ષમાં ઔષધીય છોડની માંગમાં ઝડપથી વધારો નોંધાયો છે. તેથી આ જ કારણસર હવે ઔષધીય છોડની ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આસિવાય લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સરકાર ખેડૂતોને સબસિડી પણ આપી રહી છે. એમપી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ઔષધીય છોડની ખેતી માટે સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકાર દ્વારા અપાય છે 75% સબસિડી- ભારતમાં ઔષધીય વનસ્પતિઓ અને વનસ્પતિઓનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય આયુષ મિશન યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર ખેડૂતોને 75% સબસિડી આપે છે. જેમાં ખેડૂતોને 140 જડીબુટ્ટીઓ અને હર્બલ છોડની ખેતી માટે અલગ-અલગ દરે સબસિડી આપવામાં આવે છે. અરજી કરનારા લાભાર્થી ખેડૂતોને ઔષધીય છોડની ખેતીના ખર્ચ પર 30 ટકાથી 50 અને 75 ટકા સુધીની નાણાંકીય સબસિડીનો લાભ મળે છે.
ખેતરની તૈયારી- ખેતરને સારી રીતે ખેડવા માટે સૌપ્રથમ ઊંડે સુધી ખેડાણ કરો, ખેતર ખેડ્યા પછી કલ્ટીવેટર સાથે 2-3 વખત ખેડો. આવું કરવાથી જમીનનું સ્તર બરાબર થઈ તે સમતલ બની જશે. આ બાદ ખેતરમાં 3-4 મીટરના અંતરે ઓછા ઉંડા ખાડાઓ તૈયાર કરો, આ ખાડાઓ લાઈનસર તૈયાર કરવા અને દરેક લાઈન વચ્ચે સમાન અંતર જાળવો. આ ખાડાઓને 15 દિવસ અગાઉ જમીનમાં યોગ્ય પ્રમાણમાં જૂના છાણીયું ખાતર અને જૈવિક ખાતર ભેળવીને ભરો અને પછી ખાડાઓમાં સિંચાઈ કરો.
મીઠા લીમડાની વાવણી- મીઠા લીમડાની ખેતી બીજ અને કલમ બંને દ્વારા કરી શકાય છે. બંને પદ્ધતિમાં વાવેતર કરવાથી ઉપજ એકસરખી મળે છે, બિયારણ વડે વાવણી કરવા માટે એક એકરમાં લગભગ 70 કિલો બીજની જરૂર પડશે, બીજને ખેતરમાં બનાવેલા ખાડામાં વાવવામાં આવે છે. તેના બીજને ખાડામાં રોપતા પહેલાં ગૌમૂત્રથી ઉપચારિત કરવા જોઈએ. સારવાર કરેલ બીજ 3-4 સે.મીની ઊંડાઈએ ખાડાઓમાં વાવવામાં આવે છે. વાવણી પછી છોડને હળવી સિંચાઈની જરૂર પડે છે, જેથી બીજ માટીમાં યોગ્ય રીતે ભળી જાય.