

દુનિયામાં ભારત (India) છઠ્ઠા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) છે. જાણો કેવી રીતે તૈયાર થાય છે આપણા દેશનું બજેટ અને તેના માટે અનેક પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. નોંધનીય છે કે, બજેટ તૈયાર કરનારી ટીમના અધિકારીઓએ 7 દિવસ સતત ઓફિસમાં રહીને તેને અંતિમ રૂપ આપવાનું હોય છે.


ઑગસ્ટના અંત કે સપ્ટેમ્બરની શરૂઆતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. બજેટ તૈયાર કરવાની જવાબદારી ડિવિઝન ઑફ ઇકોનૉમિક અફેર્સની હોય છે. તમામ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, સ્વાયત્ત સંસ્થાઓ અને ભારતીય સેના પણ બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ થાય છે. બજેટમાં વર્તમાન નાણાકીય બજેટનું અનુમાન અને આગામી નાણાકીય વર્ષનું અંદાજિત બજેટ તૈયાર થાય છે.


આગામી ચરણમાં નીતિ આયોગની સાથે તમામ મંત્રાલય પોતપોતાના બજેટ પર ચર્ચા કરે છે. તેમાં સંશોધિત, અંદાજિત અને અસલ આંકડાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચા બાદ ધનની ઉપલબ્ધતાના આધારે બજેટ તેયાર કરવામાં આવે છે.


જાન્યુઆરીમાં વર્તમાન નાણાકીય વર્ષની અંદાજિત આવકને અંતિમ રૂપ આપીને આવતા વર્ષના ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. અંતિમ ચરણમાં મંત્રાલય, વડાપ્રધાન અને યૂનિયન કેબિનેટની જાણકારી આપવામાં આવે છે. કોઈ વિવાદની સ્થિતિને કેબિનેટ ઉકેલે છે.