નવી દિલ્હી: આવતા મહિનાથી એટલે કે 1 January 2021થી તમારા જીવન સાથે જોડાયેલા અનેક નિયમ (Rules to be changed from 1st January) બદલાઈ રહ્યા છે. આ નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ નિયમોમાં બેંકમાંથી પૈસા ઉપાડવા (Cash withdrawal) અથવા જમા કરવા (Cash deposit), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Credit and Debit card) સાથે જોડાયેલા નિયમો સામેલ છે. નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ આ નિયમો વિશે જાણી લેવું જરૂરી છે, જેનાથી આ અંગે તૈયારી કરી શકાય. તો જાણીએ પહેલી જાન્યુઆરી 2022થી કેટલા નિયમો બદલાશે અને તેની તમારા ખિસ્સા પર કેવી અસર પડશે.
રોકડ ઉપાડવા પર લાગશે ચાર્જ: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payments Bank -IPPB)ના ખાતાધારકોએ એક લિમિટથી વધારે કેશ ઉપાડવા પર અથવા જમા કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગૂ થશે. IPPBમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલી શકાય છે. જેમાં અનેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે બેઝિક સેવિંગ એકાઉન્ટમાં દર મહિને ચાર વખત રોકડ ઉપાડી શકાશે. તેના પર કોઈ ચાર્જ નહીં લાગે. જોકે, તેના પછીના દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જોકે, બેઝિક સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરવા પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
એટીએમમાંથી પૈસા ઉપડાવાનું બનશે મોંઘું: આગામી મહિનાથી ગ્રાહકોએ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા બાદ પૈસા ઉપાડવાનું મોંઘું બનશે. જૂનમાં ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 1 જાન્યુઆરી 2022થી એટીએમમાંથી એક લિમિટ બાદ ટ્રાન્ઝેક્શન કરવા બદલ ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ દરેક બેંક તેમના ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે અમુક ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. હવેથી ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જો એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે તો તે માટે જે ચાર્જ લાગતો હતો તેમાં વધારો થશે. હવે ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
નોમિની દાખલ નહીં કરો તો EPFOના લાભ બંધ થશે: ઈપીએફઓ તરફથી એક નોટિસ આપીને કહેવામાં આવ્યું છે કે પહેલી જાન્યુઆરી સુધી જો પીએફ ખાતાધારકો તેના એકાઉન્ટમાં નોમિનીની વિગતો દાખલ નહીં કરે તો તેને મળતા ઈપીએફઓના લાભ બંધ થઈ જશે. આ નિયમ પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ તરફથી ખાતા ધારકને મળતા વીમાની મર્યાદા વધારીને સાત લાખ રૂપિયા કરી છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો નિયમ (Debit Credit Card rules): પહેલી જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. હકીકતમાં ઓનલાઇન પેમેન્ટ (Online Payment)ને વધારે સુરક્ષિત બનાવવા માટે આરબીઆઈ નવી નિયમ લાવી રહી છે. જેનાથી ઓનલાઈન શૉપિંગ કે પછી ડિજિટલ પેમેન્ટ કરતી વખતે રકમ મેળવનાર મર્ચન્ટ તમારો 16 આંકાડાનો કાર્ડ નંબર પોતાની પાસે સેવ નહીં રાખી શકે. જે સેવ જાણકારી હશે તેને પણ હટાવી દેવામાં આવશે. શોપિંગમાં ક્રેડિટ કે પછી ડેબિટ કાર્ડને બદલે ટોકનનો ઉપયોગ થશે. જોકે, તાજા જાણકારી પ્રમાણે આરબીઆઈએ આ સિસ્ટિમ લાગૂ કરવા માટે ડેડલાઈન વધારીને 30 જૂન, 2022 કરી દીધી છે. એટલે કે આ મર્યાદને છ મહિના સુધી વધારી દેવામાં આવી છે.