

પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામ પાસે મોટર કાર દ્વારા મોટર સાઈકલને ટક્કર મારી તિક્ષણ હથિયારનાં ઘા ઝીકી જાળીલાના ઉપસરપંચ તેમજ સરપંચના પતિને લોહીયાળ ઇજાઓ પહોચતા અમદાવાદની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ


બોટાદ જિલ્લાનાં રાણપુરનાં જાળીલા ગામ પાસે બાઇક પર જતાં ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનુભાઇ સોલંકીને એક ટોળાએ માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદ તેમને અમદાવાદમાં સારવાર માટે લઇ જવાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. રાણપુર પોલીસે 9 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં 8 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનો સાથે ધારાસભ્ય અને સેકટર 2 જેસીપી, ડીસીપી, એસ.પી સહિત પોલીસ અધિકારી વચ્ચે બેઠક થઇ હતી. જેમાં પરિવારની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. સરકાર લેખિતમાં માંગણીઓ સ્વીકારવા તૈયાર થઈ છે. માંગણી સ્વીકારી લેવામાં આવતા પરિવાર મૃતદેહ સ્વીકાર્યો હતો. આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.


મનુભાઇ સોલંકીની અંતિમ યાત્રામાં શ્રધાંજલિના બેનર સાથે જય ભીમનાં નારા લાગ્યાં હતાં. આ ઉપરાંત આરોપીઓને ફાંસી આપોનાં પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં દલિત સમાજનાં લોકો અંતિમયાત્રામાં જોડાયા છે.


રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામ પાસે ગત તા.19ના રોજ બપોરના અરસામાં બરવાળા-જાળીલા રોડ ઉપર મોટર સાયકલ નંબર જી.જે.1 એલ.યુ.2491 ઉપર સવાર 51 વર્ષનાં મનજીભાઈ જેઠાભાઈ સોલંકી જઇ રહ્યાં હતાં. જ્યાં મોટર કાર નંબર જી.જે.6.બી.એ. 6003નાં ચાલક દ્વારા મોટર સાયકલને ટક્કર મારી રોડ ઉપર પછાડી દઈ આરોપીઓ દ્વારા લોખંડના પાઈપ, લાકડા સહિતના તિક્ષણ હથિયારો ધારણ કરી માર મારતા મનજીભાઈ સોલંકીને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચી હતી.


તેમને સારવાર અર્થે આર.એમ.એસ.હોસ્પિટલ ધંધુકા ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત જાળીલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીનું કરુણ મોત નિપજ્યું હતુ.


આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષારભાઈ મનજીભાઈ સોલંકી દ્વારા રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીઓ આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. 302, 204, 506(2), 427, 143,147, 148, 149, 120(બી) તથા એટ્રોસીટી એક્ટ સુધારણા અધિ-2015ની કલમ 3(1)(ઇ)(જી) તથા 3(2)(5-અ) જીપીએકટ-135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીના નામ આ પ્રમાણે છે. ભગીરથ જીલુ ખાચર, કિશોર જીલુ ખાચર, હરદીપ ભરત ખાચર, જીલુ આપા ખાચર, અશોક કનુ ખાચર, વનરાજ કનુ ખાચર, પ્રતાપ કનુ ખાચર, ઋતુરાજ અશોક ખાચર, રવિરાજ અશોક ખાચર. આ તમામ જાળીલા, તા.રાણપુર, જી.બોટાદનાં રહેવાસી છે.