

થિયેટરની અંદર ફૂડની તગડી રકમ વસૂલવા અંગે બુધવારે બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને અનેક સવાલો કર્યા હતા. જેમાં એક સવાલ એવો પણ હતો કે જો કોઈ દર્શક થિયેટરની અંદર બહારથી ખાવાનું લઈને જાય છે તો તેનાથી સુરક્ષા સામે કેવી રીતે ખતરો ઉભો થઈ શકે છે? સાથે જ મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશનને હાઇકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે તમારું મુખ્ય કામ ફિલ્મ બતાવવાનું છે, ફૂડ વેચવાનું નહીં.


બુધવારે બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ રંજીત મોરે અને અનુજા પ્રભુદેસાઇની ખંડપીઠે સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર સુનાવણી કરી હતી. સરકારે બોમ્બે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે સરકાર થિયેટર્સમાં બહારનું ખાવાનું લઈ જવા પર લાગેલા પ્રતિબંધ અંગે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. સરકારનું કહેવું હતું કે આનાથી અવ્યવસ્થા અને સુરક્ષા સંબંધીત પ્રશ્નો ઉભા થઈ શકે છે.


ખંડપીઠે દાખલો આપતા કહ્યું કે જાહેર સ્થળો લોકોને ઘરનું ખાવાનું લઈ જવા પર કોઈ રોક નથી. સરકારનું સોગંદનામું પણ એવું કહે છે કે થિયેટરમાં લોકો બહારનું ખાવાનું ન લઈ જઈ શકે તે અંગે કોઈ નિયમ કે કાયદો નથી. જે બાદમાં બોમ્બે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, કોઈ પણ જાહેર જગ્યાએ ખાવાનો સામાન લઈ જવા અંગે કોઈ રોક નથી તો પછી થિયેટરમાં ખાવાનું લઈ જવાથી કયા પ્રકારના સુરક્ષાના જોખમ ઉભા થઈ શકે છે? ખંડપીઠે સરકાર પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે વિમાનમાં પણ ઘરનું ખાવાનું લઈ જઈ શકાય છે તો થિયેટરમાં કેમ નહીં? સરકારને આ અંગે કેવા પ્રકારની સુરક્ષાની ચિંતા છે?


કોર્ટે મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ ઇકબાલ ચાગલાની એ દલીલ પણ રદ કરી હતી કે કોઈ પણ સિનેમાઘરોમાં અંદર ખાવાનું લઈ જવા માટે મંજૂરી માંગવા માટે પોતાના મૌલિક અધિકારોનું ભંગ થયાનો હવાનો ન આપી શકાય. આ અંગે ખંડપીઠે જણાવ્યું હતું કે, "મલ્ટિપ્લેક્સમાં ખાવાનું ખૂબ મોંઘું હોય છે. જેના પર રોક લગાવીને તમે લોકોને જંક ફૂડ ખાવા માટે મજબૂર કરી રહ્યા છો." નોંધનીય છે કે આદિત્ય પ્રતાપ નામના વકીલ તરફથી બોમ્બે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને મલ્ટિપ્લેક્સમાં બહારથી ખાવાનું લઈ જવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવાની માંગણી કરી છે.


થિયેટરમાં ફૂડની વસૂલવામાં આવે છે તગડી રકમ- ફક્ત મહારાષ્ટ્રના થિયેટરોમાં આવી હાલત છે એવું નથી. દેશના તમામ સિનેમાઘરોમાં બહારથી ફૂડ લઈ જવા પર પ્રતિબંધ લાગેલો છે. આના પાછળનું મુખ્ય કારણ નફાખોરી કરવાનું છે. કારણ કે અહીં તમને બહાર રૂ. 20 કે રૂ. 30માં મળતા એક પોપકોર્નની રૂ. 300થી રૂ. 400 જેટલી કિંમત ચુકવવી પડે છે. બહાર રૂ. 10 કે રૂ. 15માં મળતા એક સમોસા માટે તમારે રૂ. 100 જેટલી કિંમત ચુકવવી પડે છે.