

આજ સમયે ઘટના સ્થળેથી ખાબોચીયામાં અને નાળામાં ભરેલ પાણીના અને મૃત કાળિયારના મોઢામાંથી નીકળેલા પાણીવાળી માટીના નમુના લઇ તેમજ કાળિયારના મૃતદેહમાંથી વિશેરા એફ.એસ.એલ.માં તપાસ અર્થે મોકલી દેવાયા હતા. ઘટના સ્થળે કાળિયાર અલગ અલગ અંતરથી અર્ચિત કેમિકલ ફેક્ટરીની ૩૦૦ મીટરના અંતરથી મળી આવ્યા હતા અને નર્મદ ગામના મોક્ષમંદિર નજીક રેવન્યુ પડતર જમીનમાંથી ત્રણ માદા મૃત હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે વન વિભાગ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.


આશરે બે મહિના પહેલા ભાવનગરથી આશરે 50 કિ.મી.ના અંતરે આવેલા કાળાથળાવ નર્મદ રોડ પાસે પાંચ કાળિયારના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાથી વન વિભાગ, પર્યાવરણ વિભાગ સહિતની ટીમો દોડતી થઇ હતી. પ્રાથમિક તપાસમાં કાળિયારના મોત ઝેરી પાણી પીવાથી થયા હોવાનું તારણ નીકળ્યું હતું. જોકે, ટીમ દ્વારા નમુના લઇને એફએસએલમાં મોકલી આપ્યા હતા. જોકે, આ રીપોર્ટ આવી ગયા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયો છે. રિપોર્ટ પ્રમાણે પાંચ કાળિયારના મોત કેમિકલયુક્ત પાણી પીવાથી જ નિપજ્યા છે. આ કેમિકલ ઘટના સ્થળ નજીક આવેલી અર્ચિત ઓર્ગેનોસિસ કંપનીની પ્રોડક્ટનું જ કેમિકલ છે. જે કાળિયારના શરૂરમાંથી મળી આવ્યું છે. આ મામલે વન વિભાગ દ્વારા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને મેનેજરની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેમને શરતી જામીન મળી ગયા છે.


ભાવનગરથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલ વેળાવદરમાં કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં બેથી ત્રણ હજાર કાળિયારોનો સમુહ વસવાટ છે અને એટલા જ કાળિયાર અભ્યારણ્યની બહાર પણ વસવાટ કરી રહ્યા છે. જ્યારે ગઇ તા.૧૯ જૂનના રોજ કાળાતળાવ નર્મદ રોડ પર શેડયુલ-૧નું પ્રાણી એવા પાંચ કાળિયારના મૃતદેહો મળી આવતા આઘાત સાથે અરેરાટી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ વન વિભાગ, પોલીસ, ગુજરાત પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રથમ દ્રષ્ટીથી જ મોત કોઇ ઝેરી પદાર્થ ખાવાથી થયુ હોવાનું તારણ કઢાયુ હતું.


જે તપાસ અંતર્ગત પાણીના નમુના અને માટીના નમુના એફ.એસ.એલ.ની ટીમની મદદથી એકત્ર કરી વધુ પૃથ્થકરણ અંગે રિજીયોનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જુનાગઢને મોકલાયા હતા. સાથો સાથ બારીકાઇથી તપાસ કરતા સુત્રો પાસેથી મળેલી વિગત મૂજબ અર્ચિત ઓર્ગેનોસિસ કંપનીને નિરમા કંપની દ્વારા પાણી અપાતુ હતું. જે લાઇન અર્ચિત કંપનીથી ૨૦૦ મીટર દૂર લીકેજ હોવાથી નાળા પાસે પાણીનું ખાબોચીયુ ભરાયું હતુ. જોકે આ લાઇન લીકેજની ક્ષતિ માટે અર્ચિત ઓર્ગેનોસિસ જવાબદાર હોવાનું જણાયું છે. કારણ કે, નિરમાએ જે લાઈનથી પાણી અપાય છે તેને જાળવણીની જવાબદારી અર્ચિત કંપનીના શિરે નાંખી હતી. આ ભરાયેલા ખાબોચીયામાં રસાયણ ભળવાથી અને આ કેમિકલયુક્ત પાણી વન્ય પ્રાણી પીતા મૃત્યુ થયુ હોવાનું તારણ બહાર આવ્યુ હતુ. લાઇન લીકેજ માટે જવાબદારોના નિવેદનો લેવાયા હતા અને સાથો સાથ કંપનીની વિવિધ પ્રોડક્ટ અંગે પણ જીણવટ ભરી તપાસ હાથ ધરાઇ હતી. જ્યારે એફ.એસ.એલ.ના રિપોર્ટ આવી જતા ચિત્ર સ્પષ્ટ થયુ છે.


આ અંગે સુત્રો પાસેથી જાણવા મળ્યા મૂજબ મૃત કાળિયારના વિશેરામાં જે એલ્યુમિનિયમ ક્લોરાઇડ કેમિકલ મળી આવ્યું હતું. તેજ કેમિકલ અર્ચિત ઓર્ગેનોસિસ કંપનીની નવ પ્રોડેક્ટમાંની એક હોવાનું સાબિત થયુ છે. જ્યારે વન વિભાગ દ્વારા ઉક્ત પ્રકરણ અંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અર્ચિત કંદર્પભાઇ અમીન અને મેનેજર તુષાર પંડયાની ધરપકડ કરી વલભીપુર કોર્ટમાં રજુ કર્યા હતા. જેેઓને હાલ શરતી જામીન અપાયા હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે ઉક્ત કેમિકલ આ લીકેજવાળા ખાડામાં કઈ રીતે પહોચ્યું તે પણ એક તપાસનો વિષય બન્યો છે.