Dhruvik gondaliya Bhavngar:ભાવનગર જિલ્લાનો એક માત્ર અને પુરાતત્ત્વ અવેશેષોની સાથે ઐતિહાસિક લડાઈનો સાક્ષી રહેલ પીરમટાપુ ઘોઘાના દરિયાથી 4 km અંદર આવેલ છે. ઘોઘાથી 6 km ના અંતરે ખંભાતના અખાતમાં આવેલું પીરમબેટ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થાન છે.પીરમબેટની માલિકી સ્વ.સિધ્ધરાજસિંહ રાઓલની છે. પીરમબેટ સુધી પહોંચવા માટે પાણીની ભરતી-ઓટના ચોક્કસ સમયે મશીનવાળી હોડી મારફત એકાદ કલાકની મુસાફરી કરી પહોંચવું પડે છે. આ ટાપુ પર જૂની મૂર્તિઓ અને નાશ પામેલી પ્રજાતિના અવશેષો મળ્યાના પણ પુરાવા છે.ભાવનગર રાજ્યના રાજવીઓના પૂર્વજો પૈકીના વીર મોખડાજી ગોહિલે પીરમબેટને પોતાની રાજધાની બનાવી મોગલ સલનત સાથે લડાઈ પણ કરી હતી. અંગ્રેજોએ વહાણવટા પર નજર રાખવા 24 મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસાહત એકપણ નથી. 50થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.
ઈતિહાસકારોના મત મુજબ, 15મી સદીના ઉતરાર્ધે ગોહિલવાડના રાજવંશીઓએ મુસ્લિમો પર આક્રમણ કરી ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુ પર કબ્જો કર્યો હતો અને સમયાંતરે પોતાની રાજધાની સ્થાપી હતી. 3 કિ.મી. લાંબો અને 1 કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં 10 કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે.
મોખડાજી ગોહિલના રાજકાળમાં અહીંથી દુધાળા પશુઓ સમુદ્રમાં બનાવાયેલી કેડી મારફતે માળનાથના ડુંગરગાળામાં ચરવા માટે દરરોજ જતા હતા. અત્યારે એક પણ વ્યક્તિનો અહીં વસવાટ નથી. ફક્ત લાઈટ હાઉસના કર્મચારીઓ અહીં રહી ફરજ બજાવે છે. અહીં પીવાનું પાણી પણ સાથે લઈને આવવું પડે છે. આ ટાપુ પર બાવળનું જંગલ તથા મેન્ગ્રુવના જંગલ મોજુદ છે તથા લાખો આસ્થાળુઓના પ્રતિક એવાં મોખડાજી ગોહિલ તથા ખોડિયાર માતાજીની પ્રતિમા છે.
સરકાર દ્રઢ ઈચ્છાશક્તિ કેળવે તો ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે આ જગ્યાનો ચોક્કસ વિકાસ કરી શકાય તેમ છે. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે થાણું સ્થાપી શકાય તથા સમુદ્રી રીસર્ચ સેન્ટર સહિત પર્યટકોને આકર્ષવા બહુવિધ ઉપલબ્ધીઓ મોજુદ છે. ત્યારે ગુમનામીના ગર્તમા ધકેલાઈ રહેલ ઉઝળા ઈતિહાસને અકબંધ રાખવા સરકાર ધ્યાન આપે એવું લોકો ઈચ્છી રહ્યાં છે. આ અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળએ જણાવ્યું હતું કે, પીરમબેટ એ ભાવનગર જિલ્લાનો પૌરાણિક ટાપુ છે. વીર મોખડાજી ગોહિલની વીર ભૂમિ છે, આ ટાપુનું સ્થળ એવું છે કે સ્વાભાવિક ટુરીઝમનો તરીકે વિકાસ કરી શકાય તેમ છે, હાલ કેટલી સુવિધા મળી શકે તેમ છે. ગુજરાત સરકાર ચોક્કસ ટુરીઝમ તરીકે વિકસે તેવા પ્રયત્નો કરશે.
ઓગષ્ટ થી સપ્ટેમ્બર મહીના દરમ્યાન અહીંયા ઓલિવ રીડલી દરીયાઇ કાચબા અને લીલા દરિયાઇ કાચબા રાત્રીના ભરતીના સમય દરમિયાન સમુદ્રકિનારાની રેતીમાં ઇંડા મુકવા આવે છે. ભાવનગરના જાણીતા કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ દીપકભાઈ મેહતાએ પીરમબેટના પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ સુધારણા, વનિકરણ અને જળસંગ્રહ બાબતે 1988થી 1995નાં વર્ષ દરમિયાન અહીં ધણી પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજી હતી.