અહીં સ્થિતિ એવી છે કે કેટલાક સમય સુધી આ મંદિર દરિયાના પાણીમાં જ ડૂબેલું રહે છે. અને કેટલોક સમય માટે દરિયો મંદિર સુધીનો રસ્તો આપે છે. જ્યારે ભરતી આવે ત્યારે મંદિરની ધજા જ કિનારેથી જોઈ શકાય છે, પરંતુ જ્યારે ઓટ આવે ત્યારે લોકો છેક મંદિર સુધી પહોંચીને પૂજા અર્ચના કરી શકે છે. જો કે આ કોઈ ચમત્કાર નથી. દરિયાના ભરતી ઓટના કારણે આ સ્થિતિ સર્જાય છે.
માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ કલંક ધોવા માટે આ દરિયા કિનારે સ્નાન કર્યું હતું, પરિણામે આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું. અને અહીં પાંડવોએ સ્થાપેલા પાંચ શિવલિંગ છે. માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં પાંડવોના હાથે કૌરવો સહિત અને સગાના મોત થયા હતા. આખરે યુદ્ધ થયા પછી પાંચેય પાંડવોએ વિચાર્યું કે કલંકને કેવી રીતે દૂર કરવું. સલાહ લેવા માટે પાંચેય પાંડવોએ દુર્વાષા ઋષિ સાથે મુલાકાત કરી. દુર્વાસા ઋષિએ પાંડવોની વાત સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા સફેદ થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.