મયુર માકડિયા, અમદાવાદછ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્ય સરકાર ના પંચાયત વિભાગ દ્વારા આયોજિત પંચાયત સંમેલનમાં દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિને પોતાનાં ગામ અને શહેરનો ઇતિહાસ અને તે ગામ કે શહેરનાં સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીનાં આહવાન પ્રમાણે જ રાજ્ય સરકારનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આગામી 14મેં ના રોજ આવી રહેલા ભાવનગર શહેરનાં જન્મ દિવસની ઉજવણી અંગે રંગારંગ કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગર કાર્નિવલ 22 નું આયોજન તારીખ 2 થી 4 મે ના કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ભાવનગરના 300 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે પ્રખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, જીગરદાન ગઢવી દેવ પગલી સહિતના કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો અને રાજ્યની પ્રખ્યાત કલા સંસ્થાઓ દ્વારા લોકનૃત્ય અને સંગીત સહિતના રંગદર્શી કાર્યક્રમો યોજાશે.
ભાવનગર નો જન્મદિવસ આ રીતે ઉજવવાની પરંપરા રહી છે જો કે કોરોના કાળ ને અંતરાલ બાદ આ વર્ષે આ ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ આઝાદીના અમૃતોત્સવના ઉમંગ સાથે ઉજવવામાં આવશે. વિશેષરૂપે 750 તિરંગાઓ સાથેની પદયાત્રા, વોલ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા, મહા આરતી સહિતના કાર્યક્રમો પણ આ જન્મોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાશે. ઉલ્લેખનીય છે કે ભાવનગરનો રાજવી પરિવાર આ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થતો આવ્યો છે.
આ કાર્યક્રમનો પ્રારંભ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે થશે તો અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત મંત્રીઓ અને અગ્રણીઓ પણ આ ભાવેણા જન્મોત્સવની ઉજવણીમાં જોડાશે. 1723 માં જેને પણ બંધાયેલું તે ભાવનગર 298 વર્ષ પૂર્ણ કરી 299માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ ઉજવણી વિશેષ બની છે અને આ સમગ્ર વર્ષ કળા અને સંસ્કાર નગરી તરીકે સુખ્યાત ભાવનગર ' વિકાસશીલ ગતિશીલ ભાવનગર' બને તે દિશામાં વિવિધ કાર્યો હાથ ધરાશે.
ભાવનગરની સ્થાપના પહેલાનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. ભાવનગરની સ્થાપના ભાવસિંહથી રતનસિંહજુ ગોહિલે કરી હતી. ગોહિલો મારવાડના ખેરગઢથી ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા અને બાદમાં ઉમરાળા, ઘોઘાના પીરમબેટ અને ફરિ ઉમરાળા આવી સિહોર થઈને વડવા ગામ આવ્યા હતા. અને ભાવનગરની સ્થાપના કરી હતી.
ભારતના ગણતંત્રમાં ભળ્યું તે પહેલા સુધી આ એક રજવાડુ હતું.સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. 1260માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. 1722- 1723માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. અને હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને 1723માં સિહોરથી 30 કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત 1779ની વૈશાખ સુદ 3-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું.
દરિયાઇ વેપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ છે.
હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલો છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.