મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં 'તાઉ તે' વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકીના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આવી પહોંચ્યા હતા. CM રૂપાણ આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો માલમિલકત વગેરે ના નુકસાનની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ પઢીયારકા ગામના સરપંચ રેખાબેન બારીયા, ઉપસરપંચ આણંદ ભાઈ મકવાણા તેમજ પંચાયતના સભ્યો સાથે ગામમાં થયેલા નુકસાનની ઝીણામાં ઝીણી વિગતો મેળવી તંત્રને તાત્કાલીક સર્વે અને સહાય કરવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ ગામના સરપંચ પાસેથી થયેલા નુકસાનની વિગતો મેળવી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ઘરોની રજેરજની જાણકારી મેળવી હતી.