નીતિન ગોહિલ, ભાવનગર : સિહોર (Sihor)માં અકસ્માતની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજીયન યુવતી (Collage Girl)) માછલીઓને ખાવાનું ખવડાવતી હતી, તો પગ લપસતા ગૌતમેશ્વર તળાવ (gautameshwar lake)માં ડુબવા લાગી, તેને બચાવવા એક યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી તો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પહેલા યુવતીની લાશ મલી આવી ત્યારબાદ યુવકનો પણ મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની એમજે કોલેજ (Bhavnagar MJ Collage)માં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ સિહોર ખાતે ગૌતમેશ્વર મહાદેવ મંદિરે (gautameshwar temple sihor) ખાતે ફરવા ગયાં હતા. જ્યાં વલ્લભીપુરની યુવતીનો પગ લપસતાં તળાવમાં પડી ગઈ હતી. તળાવમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો. પરંતુ તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીની લાશ મળી આવી હતી. ત્યારબાદ યુવકની શોધખોળ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવતા યુવકનો મૃતદેહ પણ હવે મળી આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરની એમ.જે. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજે સિહોરમાં આવેલ નવનાથનાં દર્શન સાથે ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતા.વલ્લભીપુર ગામે રહેતી 19 વર્ષીય નિયતિ ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી એ દરમિયાન સંતુલન ગુમાવતા તળાવમાં પડી હતી. નિયતિને ડૂબતી જોઇ સિહોરનો જ રહેવાસી 20 વર્ષીય જગદીશ મકવાણા તેને બચાવવા તળાવમાં કૂદ્યો હતો. પરંતુ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ જોઇ સાથે આવેલાં અન્ય યુવક-યુવતી ઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસ ના લોકો મદદે દોડી આવ્યા હતા.
બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતાં તરવૈયાઓ ટીમ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીની લાશ બહાર કાઢી હતી, જેમાં સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને પી.એમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે કોલેજિયન યુવક-યુવતીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.