મહુવા પંથકમાં બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરિયાએ વિશેષ જહેમતથી બંધાવ્યા હતા. માલણ બંધારો અને નિકોલ બંધારો બંને મોટા બંધારા છે. જ્યારે કલસાર અને સમઢિયાળામાં નાના બંધારા છે. બંને મોટા બંધારામાંથી નાના બંધારામાં પાણી જાય છે. બંને મોટા બંધારામાંથી આસપાસના ખેડૂતો ખેતી માટે પાણી વાપરે છે. તેમ છતાં અત્યારે પણ માલણ અને નિકોલ બંધારામાં મીઠું પાણી ભરેલું છે અને હજુ બે મહિના ચાલશે. 30 હજાર વીઘા જેટલી જમીનને બંધારામાંથી સિંચાઈનો સીધો લાભ મળ્યો છે. આટલી જમીનમાંથી ક્ષારનું પ્રમાણ ઘટ્યું અને જમીન ફળદ્રુપ બની છે.
સમઢિયાળા બંધારાથી 6 હજાર વીઘા અને કલસાર બંધારાથી 3 હજાર વીઘા જમીનને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. આ બંધારાઓને કારણે અહીં સારી ગુણવત્તાના શાકભાજી પાકી રહ્યાં છે. લોકોને કૃષિ ક્ષેત્રે રોજગારી મળતી થઈ છે. આ બંધારાના કારણે જ આ જમીન અત્યારે નવસાધ્ય થઈ ગઈ છે. જો આ બંધારા ન બન્યા હોત તો આ ગામડાંઓ ઉજ્જડ બની ગયાં હોત. લોકોએ પોતાના પશુઓને લઈને અહીંથી ઉચાળા ભરવા પડ્યા હોત.
ખેડૂત જસાભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, બંધારો થતા અમારી જમીનોમાં ક્ષાર અટક્યો છે અને બંધારાના પાણીથી અમે વર્ષના ત્રણ પાક લેતા થયા છીએ. બંધારાથી ખરેડ, ગઢડા અગતરિયા, દુઘેરી, સેવળિયા, ડોળિયા, પઢિયારકા, વાંગર, સમઢિયાળા, જેવા ઘણા ગામોને પાણી મળતાં થયા છે. જમીન તો આસપાસના ઘણા કિલોમીટર સુધીની સુધરી છે.
ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરિયા જ્યારે ધારાસભ્ય હતા. ત્યારે દરિયાનું ખારુ પાણી આગળ વધતુ અટકાવવા માટે અને જમીન ફરી વખત નવપલ્લવિત થાય તે માટે બંધારા બનાવવા માટે મોહિમ છેડી હતી અને તેમણે અંગત રસ લઇ માલણ અને નિકોલ બંધારો ઝડપથી બંધાય તે માટે પ્રયાસો કર્યા હતા. આજે આ બંધારાને કારણે ખેડૂતોને મીઠુ પાણી મળે છે અને તેમની આવક વધી રહી છે