Aarti Machhi, Bharuch : ધુળેટીએ જ્યાં ભરૂચમાં લોકો રંગોમાં રંગાઈ રહ્યા હતા ત્યાં મેક્સિકન મિત્રોને ચઢી રહી હતી પીઠી. સાંજે લોકો પરિવાર સાથે ખાણી પીણીની રંગત માણતા હતાં, ત્યાં આ મેક્સિકન યુગલ મેહદીના રંગે રંગાઈ ગરબાની રમઝટમાં ઓતપ્રોત બની ગયું હતું. અને આખરે ગુરુવારની એ સાંજ આવી ચઢી હતી, જ્યાં શહેનાઈના સુરો, વૈદિક મંત્રોચ્ચારો, અગ્નિની સાક્ષી, સપ્તપદીના ફેરા અને ભરૂચના સિદ્ધિ વિનાયકના આશિષ વચ્ચે હિન્દૂ શસ્ત્રોક્ત મુજબ પેડ્રો અને એરિકા જીવનસંગી બની ગયા હતા.
ભારતીય સંસ્કૃતિ, રીતિરિવાજો વિદેશીઓને ઘેલા કરી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ મેક્સિકન પેડ્રો અને એરિકાએ 15 હજાર કિલોમીટરનું અંતર કાપી ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે હિન્દૂ વિધીથી પ્રભુતામા પગલાં પાડ્યા છે. રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરી, ડીસ્ટ્રીકટ 3060 રોટરી ઇન્ટરનેશનલના ટ્રેન્ડશીપ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મેકિસકોના 11 રોટેરીયનો આપણા ગુજરાતની રોટરી કલબોની મુલાકાતે આવ્યા હતા.
ધુળેટીની સવારે પેડ્રો અને એરિકાની પીઠી અને સાંજે મહેંદી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બઘા જ મેમ્બરોએ આનંદ ઉલ્લાસથી આ લગ્નમાં ઉજવણી કરી હતી. ગુરુવારે આ મેક્સિકન યુગલના લગ્નનું આયોજન મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિરે કરાયું હતું. લગ્ન સંપૂર્ણ હિન્દુ ઘર્મ પ્રમાણે સંપન્ન થયા હતા. નવ દંપતીએ ગણપતી બાપાની આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિવિધાનના આદાન પ્રદાનનું પણ સાક્ષી બન્યું હતું.લગ્નમાં રોટરી ડીસ્ટ્રીકટ 3060ના આવનારા ગર્વનરો નિહિર દવે, તુષાર શાહ તથા ભૂતપૂર્વ પ્રમુખ પરાગ શેઠની હાજરી વિશિષ્ટ હતી. નર્મદાનગરી ના સભ્યો પૂનમ શેઠ , મૌનેશ પટેલ , યેષા શેઠ , રમાકાંત અને શિલ્પા બહુરૂપી વિશેષ યોગદાન આપીને લગ્નને સફળ બનાવ્યો હતો.