Aarti Machhi, Bharuch: ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ભરૂચના માતરિયા તળાવને સમાવી લેવાયું છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાની માય લિવેબલ ભરૂચ પહેલ હેઠળ CSR ફંડમાંથી માતરિયાને વન ડે પારિવારિક પીકનીક પોઇન્ટ માટે વિકસાવાઈ રહ્યું છે.જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા તંત્ર પણ માતરિયા લેક ગાર્ડનના રી ડેવલોપમેન્ટમાં સહભાગી બન્યા છે.
અહીં ગાર્ડન સાથે તબક્કાવાર માતરિયા તળાવનું હાથ ધરાઈ રહેલા બ્યુટીફીકેશનથી શહેરમાં જ પ્રજા માટે રમણીય અને મનોહર સ્થળ ઉભું થઈ રહ્યું છે. અહી આવીને લોકોને શાંતિનો અનુભવ થાય છે. અહી તળાવની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. નર્મદાના નીરથી છલોછલ તળાવ ભરૂચીઓની પહેલી પસંદ બન્યું છે. લોકો સવાર અને સાંજ પોતાનો સમય વિતાવવા આ સ્થળે આવતા હોય છે મધ્યમાં હોવાથી આકર્ષક પણ લાગતું હોવા સાથે તેની આજુબાજુની સોસાયટીમાં રહેતા નાગરિકો માટે પણ પસંદગીનું સ્થળ છે.
જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શહેરીજનો માતરિયા તળાવ ગાર્ડન ખાતે શનિ-રવિ તેમજ રજામાં પરિવાર સાથે આંનદ-પ્રમોદ માણી શકે તે માટે સલામતી સાથે સુવિધાઓ ઉભી કરાઇ રહી છે. હાલ માતરિયા તળાવ સવારે 5 થી 8 અને સાંજે 5 થી 8 કલાક જ ખુલ્લું રહે છે. જે આગામી સમયમાં નવા આકર્ષણો સાથે સવારે 5 થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
રૂપિયા 4 કરોડના ખર્ચે માતરિયા તળાવ ગાર્ડનને ફરતે બાઉન્ડ્રી કરી તેને સલામત કરાશે. સમગ્ર માતરિયા તળાવ પ્રોજેકટમાં 24 કલાક સિક્યોરિટી રહેશે. તેમજ CCTVથી આખુ ગાર્ડન આવરી લેવાશે.અહીં એક કરોડના ખર્ચે લાઇટિંગ, ફૂડ કોર્ટ, ટોઇલેટ, ફોરેસ્ટ ટ્રેઇલ, એમ.પી. થિયેટર, બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો,જોગિંગ ટ્રેક, ગાર્ડનીગ સહિતને આવરી લેવાયું છે.