Aarti Machhi, Bharuch: ભરૂચની 18 વર્ષીય સામિયા મન્સૂરી હાલમાં અભ્યાસમાં બેચલર્સ ઈન કમ્પ્યુટર એપ્લિકેશન કરી રહી છે. જમણા હાથમાં જન્મજાત વિકૃતિ હતી. માતા- પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું હતું. પરંતુ કોઈ ફાયદો થયો નહી. હાથ પ્રત્યારોપણ જરૂરી હોવાથી આખરે મુંબઈમાં પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સામિયા પર મુંબઈમાં સફળ હાથ પ્રત્યારોપણ થતાં જીવનની નવી આશા જાગી છે. દેશમાં સંભવિત રીતે સૌપ્રથમ આ પ્રકારની જટિલ અને મુશ્કેલ શસ્ત્રક્રિયા સફળતાથી પાર પાડવામાં આવી છે. હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક, હેન્ડ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ માઈક્રોસર્જન ડો. નીલેશ સતભાઈના નેતૃત્વમાં અન્ય એક ડોક્ટરની ટીમે આ સર્જરી પાર પાડી છે. આ સર્જરી 13 કલાક ચાલી હતી.
ભરૂચની સામિયા મન્સૂરી ભારતમાં એક હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પેહલી વ્યક્તિ બની ગઈ છે. સામીયાના કેસ પરથી જેમને જન્મજાત દોષ હોય તેઓ પણ હાથોનું પ્રત્યારોપણ કરાવી શકે છે, એવી નવી આશા જન્મી છે. સામિયાની પ્રેરક વાર્તા દાનદાતાઓ અને પ્રાપ્તિકર્તાઓને હાથ દાન કરવા અને જીવનને બહેતર બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. એમ મુખ્ય કાર્યકારી અધિકારી ડો. વિવેર તલૌલીકરે જણાવ્યું હતું.