

સામાન્ય રીતે લોકોને લાગે છે કે, 50 કે 100 રૂપિયા બચાવી કોઈ સેવિંગ ના થઈ શકે, સેવિંગ કરવા માટે એક મોટી એમાઉન્ટ હોવી જરૂરી છે. પરંતુ, તમારૂ આવું વિચારવું ખોટુ છે, અમે જણાવીએ કેમ? નાની-નાની બચત કરીને પણ તમે સારૂ ફંડ બનાવી શકો છો. ઓછુ ઈન્વેસ્ટ કરીને પણ વધારે કમાણી કરવા માટે જરૂરી છે સાચી જગ્યાએ રોકાણ કરવું. આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી ફાયદાકારક છે, અને તેના દ્વારા તમે સરળતાથી મોટી રકમ ભેગી કરી શકો છો.


આવી જ નાની બચત યોજનાનો એક વિકલ્પ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (પીપીએફ). જાણીએ કેવી રીતે રોજ રૂ. 200 બચાવીને તમે આ સ્કીમ દ્વારા માત્ર 20 વર્ષમાં 34 લાખ રૂપિયાના માલિક બની જશો.


PPFનો ફાયદો - પીપીએફ સ્કીમ હેઠળ તમારા રોકામની પૂરી ગરન્ટી મળે છે. સ્કીમ હેઠળ મળતા વ્યાજ પર ઈન્કમ ટેક્સ નથી લાગતો. આમાં નોમિનીની સુવિધા પણ છે. આ એકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા બેન્કની પસંદગીની શાખાઓમાં 15 વર્ષ માટે ખોલાવી શકાય છે, જેને 5 વર્ષ સુધી વધારી શકાય છે.


આ એકાઉન્ટ માત્ર 100 રૂપિયાથી ખોલી શકાય છે - આ એકાઉન્ટને ખોલવા માટે તમારે રૂ. 100ની જરૂર પડે. પરંતુ આમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટમાં વ્યાજદર સરકાર સમય-સમય પર નક્કી કરે છે. એક જાન્યુઆરી 2018થી આ એકાઉન્ટમાં 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.


જાણીએ કેવી રીતે બનશે 34 લાખનું ફંડ - આ સ્કીમ હેઠળ જો તમે રૂ. 200 રોજ બચાવીને રોકાણ કરો છો તો આ મહિને રૂપિયા 6000 થાય. આ રીતે તમારી વાર્ષીક બચત 72000 રૂપિયા થશે.


જો તમે આવું 15 વર્ષ કરો તો તમારૂ કુલ રોકાણ 10,80,000 રૂપિયા થઈ જશે. સ્કીમને 5 વર્ષ વધારવાની સુવિધા છે. જો તમે આવું કરો છો તો, 20 વર્ષમાં તમારૂ કુલ રોકાણ 14,40,000 રૂપિયા થશે.


પીપીએફમાં 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડીંગ પ્રમાણે વ્યાજ મળી રહ્યું છે. 20 વર્ષ સુધી જો આ દરથી જ વ્યાજ મળે છે તો, કુલ રિટર્ન 33.92 લાખ રૂપિયા થઈ જશે. એટલે કે તમને તમારા કુલ રોકાણ પર 19.52 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.


ઓછી ઉંમરમાં બનાવી શકશો વધારે પૈસા - માની લો કે તમારી 25 વર્ષની ઉંમરમાં તમારી 30-40 હજારની આવક છે, તો શરૂઆતમાં તમે રોજ રૂ. 200ના હિસાબે બચત કરો છો તો, આ બચત 45 વર્ષની ઉંમરમાં તમને 34 લાખ રૂપિયાનું ફંડ આપશે, જેથી નોકરી કરતા-કરતા તમે તમારી કોઈ પણ પ્રકારની મોટી જરૂરિયાત સરળતાથી પૂરી શકો છો. રોજ રૂ. 200ની બચત કરવી મુશ્કેલ પણ નથી.