

અમદાવાદ શહેરમાં આજે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ બાદ કેટલાક વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ટોળાના પથ્થરમારામાં 20 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે હાલમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. પોલીસે 23 જેટલા તોફાની તત્વોની અટકાયત કરી છે. જેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.


તમને જણાવી દઈએ કે, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં આજે કેટલાક મુસ્લીમ સંગઠનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદના અનેક લઘુમતી વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને ટોળા દ્વારા દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો છે. આ હિંસક આંદોલન શરૂ થતા, પોલીસે પણ સામે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે.


શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા. તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન થતાં પોલીસે કેટલીક જગ્યાએ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારના પર ટીયર ગેસના 3 શેલ છોડીને વિખેરવા પ્રયાસ કર્યા હતા. સ્થિતિને પહોંચી વળવા પોલીસની જીપ ઘટનાસ્થળેથી દોડવવી પડી હતી.જોકે ત્યારબાદ પોલીસે માર્ચ કરીને ટોળાને વિખેર્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.


જમ્મુ-કાશ્મીરમાં જે રીતે તોફાની તત્વો દ્વારા જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર મોંઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરવામાં આવે છે, આજ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના મિરઝાપુર તથા શાહઆલમ વિસ્તારમાં પણ તોફાની તત્ત્વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મીને ટોળાએ પકડી ખુબ મારવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસ પર પથ્થરમારો કરતા 15થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, સાથે કેટલાક મીડિયાકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.


અનેક રૂટ પર બસ સેવા બંધ કરાઈ -હિંસક પ્રદર્શનના પગલે સાવચેતીના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં બીઆરટીએસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય એએમટીએસ અને એસટી સેવા પર પણ અસર પડી છે. સૌરાષ્ટ્ર તરફથી ગીતામંદિર આવતી અને જતી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે બસો વાયા સરખેજ થઈ આવતી-જતી હતી તેને વાયા પ્રહાલનગર-ઈસ્કોન થઈ એસટી સ્ટેન્ડે લાવવામાં આવી રહી છે.


અમદાવાદના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી છે. જો કે સાંજે શાહઆલમમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, 2 પીઆઈ, 4થી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિત 15થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. માત્ર એટલું જ નહીં હીંસાખોરોએ પોલીસ કર્મીઓને પકડી પકડીને માર માર્યો હતો. હાલ તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી. તેમજ પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના પગલાંરૂપે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.


હિંસક વિરોધ પ્રદર્શનના કારણે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાતા લોકો વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે. લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ નાસી છૂટ્યા હતા. પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં લોકોએ અવરજવર કરવાનું ટાળતા અન્ય રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.