

બાડમેરના જસોલમાં રામકથા દરમિયાન આંધીથી પંડાલ પડી જતા 14 લોકોનાં મોત થયા છે. જસોલમાં પંડાલ પડતા મોતને ભેટેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુરથી સવારે જસોલ પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં 70થી વધારે લોકો ઘાયલ થયા છે.


આ મામલે મુખ્યમંત્રી ગેહલોતે સંવેદના પ્રગટ કરતા ઘટનાના તપાસના આદેશ કર્યા છે. રાજસ્થાન સરકાર તરફથી દુર્ઘટનામાં મૃતકના પરિવારને રૂ. 5 લાખ અને ઘાયલોને રૂ. 2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે.


રાજસ્થાનના સીએમ એશોક ગેહલોતે ટ્વટિ કરીને દુર્ઘટના પ્રત્યે દુઃખ પ્રગટ કર્યું હતું. તેમણે લખ્યું, "જસોલ (બાડમેર)માં રામકથા દરમિયાન ટેન્ટ પડવાથી થયેલી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા તે ખરેખરે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતાત્માઓની શાંતિ અને શોકમગ્ન બનેલા પરિવારને ઇશ્વર શક્તિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું."


બાડમેર દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું કે, "રાજસ્થાનના બાડમેરમાં પંડાલ નીચે પડી જવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના પ્રભાવિત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું."